બાયડ, અરવલ્લીઃ ગુજરાતમાં બટાકાના હબ ગણાતા અરવલ્લી જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. બટાકાના બજાર ભાવમાં આવેલા જંગી ઘટાડાને કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે. ગત વર્ષે 20 કિલો બટાકાનો ભાવ રૂપિયા 300 હતો, જે આ વર્ષે ઘટીને માત્ર રૂપિયા 100 થી રૂપિયા 150 સુધી આવી જતા ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. ઉત્પાદન ઓછું થવા અને ભાવમાં ભારે ઘટાડો થવાને કારણે ખેડૂતો માટે તેમનો પ્રાથમિક ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની ગયો છે.
MLA ધવલસિંહ ઝાલાએ સીએમને લખ્યો પત્ર
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં ધારાસભ્યએ ખેડૂતો માટે વિશેષ પેકેજ અથવા ટેકાના ભાવે ખરીદી કરવાની માંગણી કરી છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પત્રમાં જણાવ્યું છે કે, અરવલ્લી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આ વર્ષે ખેડૂતોએ મોટા પાયે બટાકાનું વાવેતર કર્યું હતું. ખેડૂતોએ મોંઘા બીજ, ખાતર, મજૂરી અને સિંચાઈ પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે. જોકે, હવે જ્યારે પાક તૈયાર થઈને બજારમાં આવ્યો છે, ત્યારે ભાવ એટલા નીચે ગયા છે કે ખેડૂતોને પડતર કિંમત પણ મળી રહી નથી.

બટાકાના નજીવા ભાવને કારણે હજારો ખેડૂતો આર્થિક મુશ્કેલીમાં
બજારમાં બટાકાના ભાવ તળિયે બેસી જતાં ખેડૂતો મજબૂરીવશ ઓછી કિંમતે પાક વેચી રહ્યા છે. વધતા ખર્ચ અને સામે મળતા નજીવા ભાવને કારણે જિલ્લાના હજારો ખેડૂત પરિવારો આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સ્થિતિ જો લાંબી ચાલશે તો ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ શકે છે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. ખેડૂતોના હિતમાં મુખ્ય બે માંગણીઓ કરવામાં આવી છે, જેમાં પ્રથમ માંગણી એ છે કે જે ખેડૂતોને આ વર્ષે બટાકાના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર અથવા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે.
ટેકાના ભાવે ખરીદી કરવા માંગણી કરવામાં આવી
બીજી મહત્વની માંગણી ટેકાના ભાવે ખરીદી અંગેની છે. જ્યાં સુધી બજારમાં બટાકાના ભાવમાં સુધારો ન થાય ત્યાં સુધી સરકાર પોતે ટેકાના ભાવે (MSP) બટાકાની ખરીદી કરવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરે, જેથી ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને યોગ્ય ભાવ મળી રહે અને તેઓ આર્થિક પાયમાલીથી બચી શકે. ધવલસિંહ ઝાલાએ આ મુદ્દે સરકારને તાત્કાલિક સંવેદનશીલતા દાખવી ખેડૂતોના હિતમાં નિર્ણય લેવા નમ્ર વિનંતી કરી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ આજીજી પર શું નિર્ણય લેવામાં આવે છે?