નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે વધી રહેલા સંકટને ધ્યાને લઈને મોદી સરકારે કેટલાક વિષયોને લઈ પગલાં લેવાના શરૂ કરી દીધા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાજધાનીમાં યોજાનારા બ્રિક્સ સમિટને લઈ બ્રિક્સ દેશના વિદેશમંત્રી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાધચી, દક્ષિણ આફ્રિકાના વિદેશમંત્રી રોનાલ્ડ લામોલા અને બ્રાઝિલના વિદેશમંત્રી મૌરો વિએરા પણ જોડાયા હતા.
બ્રિક્સ ફેમિલી ફોટો સેશન

આ મુલાકાત રાજધાની દિલ્હીમાં આયોજિત બ્રિક્સ વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી. વડા પ્રધાન મોદીએ ભારત આવેલા મંત્રીઓ તથા પ્રતિનિધિઓ સાથે બ્રિક્સ ફેમિલી ફોટો પણ ક્લિક કરાવ્યો હતો. આ ફોટો સેશનમાં ઉચ્ચ સ્તરીય રાજકીય કાર્યક્રમમાં ભાગ લેનારા સભ્ય દેશ અને સાથી રાષ્ટ્રના પ્રતિનિધિઓ એકસાથે જોવા મળ્યા હતા. આ પહેલા ભારતે બ્રિક્સ દેશો સાથે ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહેલી રાજકીય ઉથલપાથલ અને વ્યાપારિક મુદ્દાલક્ષી પરિણામને વધુ સારી રીતે ઉકેલવા માટે વ્યવહારિક રસ્તો શોધવાનો આગ્રહ કર્યો હતો. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે સંવાદ અને કુટનીતિ પર મહત્ત્વ આપવા ભાર મૂક્યો હતો.
તણાવગ્રસ્ત માહોલનો ઉલ્લેખ

વિદેશમંત્રી એસ. જયશંકરે આ પ્રકારની વાત દિલ્હીમાં આયોજિત બ્રિકસ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલા એક ખાસ સત્રમાં કહી હતી.આ સત્રમાં ઈરાન, રશિયા, બ્રાઝિલ સહિતના મોટા રાષ્ટ્રએ ભાગ લીધો હતો. આ સાથે કેટલાક સભ્ય દેશ પણ જોડાયા હતા. દિલ્હીમાં વિદેશમંત્રીઓનું આ સંમેલન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે પશ્ચિમ એશિયામાં સંક્ટ દિવસે દિવસે વધી રહ્યું છે. ઈરાન-અમેરિકા તથા ઈઝરાયલના યુદ્ધના કારણે ઊર્જાપૂર્તિમાં વ્યવસ્થા ખોરવાઈ છે. આની અસર વૈશ્વિક સ્તરે આર્થિક ક્ષેત્રને સૌથી વધારે થઈ રહી છે. આ કારણોસર એશિયા સહિતના દેશની ચિંતામાં રાતોરાત વધારો થઈ રહ્યો છે.
ઉકેલનો રસ્તો અનિવાર્ય
બે દિવસીય સંમેલનમાં ઉદ્ઘઘાટન સત્રમાં એસ. જયશંકરે કહ્યું હતું કે, આપણે એક એવા સમયે મુલાકાત કરી રહ્યા છીએ જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં અને ગ્રાઉન્ડ લેવલ પર રાજનીતિમાં મોટી ઉથલપાથલ થઈ રહી છે. યુદ્ધ, યુદ્ધના કારણે આર્થિક અનિશ્ચિતતા, વ્યાપાર, ઉદ્યોગો તથા જળવાયુ પરિવર્તન સંબંધિત પડકારો અનેક દેશની ચિંતા વધારી રહ્યા છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં દૈનિક ધોરણે બદલી રહેલી સ્થિતિને કારણે જયશંકરે કહ્યું કે, સતત વિકસતા બજાર અને વિકાસશીલ દેશ પાસેથી એ અપેક્ષા છે કે, બ્રિક્સ વર્તમાન પડકારો સામે રચનાત્મક તથા સ્થિરતા પ્રદાન કરતા ઉકેલના રસ્તા પર ચાલશે.