Mon Aug 31 2026

Logo

વડાપ્રધાન મોદીએ RRTS અને ભારતની સૌથી ફાસ્ટ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું! જાણો શું છે ખાસીયત

2026-02-22 14:34:00
Author: Savan Zalariya
વડાપ્રધાન મોદીએ RRTS અને ભારતની સૌથી ફાસ્ટ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું! જાણો શું છે ખાસીયત

મેરઠ: દિલ્હી અને ઉત્તર પ્રદેશના મેરઠ વચ્ચેની મુસાફરી ખુબ જ સરળ થવા જઈ રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 82 કિમી લાંબી દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) ના બાકીના ભાગોનું ઉદ્ઘાટન કર્યું. આ ઉપરાંત 23 કિમી લાંબી મેરઠ મેટ્રો સર્વિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ભારતની સૌથી ઝડપી મેટ્રો સર્વિસ છે.

વડા પ્રધાન મોદીએ શતાબ્દી નગર સ્ટેશનથી મેરઠ મેટ્રો અને નમો ભારત ટ્રેન બંનેને લીલી ઝંડી આપી હતી, આજે સાંજે 6 વાગ્યે આ બંને સર્વિસ સામાન્ય લોકો માટે શરુ થશે. દિલ્હી અને મેરઠ વચ્ચેની ભારતની પહેલી RRTS સર્વિસ શરુ થઇ છે, દિલ્હી અને મેરઠ વચ્ચેની મુસાફરી ફક્ત એક કલાકમાં પૂર્ણ થશે.

આજે સવારે વડાપ્રધાન મોદી ગાઝિયાબાદના હિંડોન એરપોર્ટ પર પહોંચ્યા હતાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ મેરઠથી લગભગ 12,930 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું.

RRTSની ખાસિયત:
RRTS 180 કિમી પ્રતિ કલાકનીમહત્તમ સ્પીડ અને 160 કિમી પ્રતિ કલાક સુધી કાર્યકારી સ્પિડ માટે ડીઝાઈન કરવામાં આવી છે. RRTSને કારણે દિલ્હીથી સાહિબાબાદ, ગાઝિયાબાદ, મોદીનગર અને મેરઠ જેવા મુખ્ય શહેરી કેન્દ્રો વચ્ચે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.

ફાસ્ટ અને સીમલેસ કેશલેસ મુસાફરી માટે RRTS સ્માર્ટ ટિકિટિંગ વેન્ડિંગ મશીનો અને QR કોડ-બેઝ્ડ ટિકિટ સિસ્ટમ રાખવામાં આવું છે. નમો ભારત ટ્રેનમાં ડિજિટલ ડ્રાઇવર કન્સોલ છે, કોચમાં બોટલ હોલ્ડર, મેગેઝિન રેક અને ફૂટરેસ્ટ હશે. પ્રીમિયમ કોચમાં મોબાઇલ અને લેપટોપ ચાર્જિંગ પોઇન્ટ, સન-પ્રોટેક્શન બ્લાઇંડ્સ અને આરામદાયક બેઠક જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલાઓ માટે એક અલગથી કોચ છે. 

મેરઠ મેટ્રો:
મેરઠ મેટ્રો, RRTS ની સાથે કેટલાક ભાગો પર દોડશે, જે ભારતની સૌથી ઝડપી મેટ્રો સર્વિસ હશે, જેની મહત્તમ સ્પીડ લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મેરઠ મેટ્રો 23 કિલોમીટરના કોરિડોર પર દોડશે અને  13 સ્ટેશનો પર ઉભી રહેશે, તે લગભગ 30 મિનિટમાં સમગ્ર રૂટને આવરી લેશે.