Tue Sep 01 2026

Logo

દ્વારકામાં 50 કિલો ગૌમાંસ સાથે ત્રણ શખ્સોની ધરપકડ, સાધુ-સંતોમાં ભારે આક્રોશ...

2026-02-13 20:23:56
Author: Vimal Prajapati
દ્વારકામાં 50 કિલો ગૌમાંસ સાથે ત્રણ શખ્સોની ધરપકડ, સાધુ-સંતોમાં ભારે આક્રોશ...

(અમારા પ્રતિનિધિ તરફથી)

દ્વારકા: યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાંથી અંદાજે 50 કિલો ગૌમાંસ ઝડપાયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ ગૌમાંસ સાથે દ્વારકા પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. પવિત્ર યાત્રાધામમાંથી ગૌમાંસ ઝડપાતા ગૌપ્રેમીઓમાં આક્રોશ ફેલાયો છે. એટલું જ નહીં પરંતુ હિંદુ સંગઠનો, સાધુ-સંતો અને સ્થાનિકોએ દ્વારકાના રબારી ગેટથી પ્રાંત અધિકારી કચેરી સુધી શાંતિપૂર્ણ રેલી યોજી આવેદનપત્ર પણ આપ્યું છે. જેમાં અનેક માંગણીઓ કરવામાં આવી છે. 

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ

શાંતિપૂર્ણ રેલી દરમિયાન વક્તાઓએ યાત્રાધામમાં ગૌહત્યા જેવી પ્રવૃત્તિઓને અતિ ગંભીર ગણાવી છે. આવી પ્રવૃત્તિઓ સામે પોલીસ અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. આ મામલે સાધુ-સંતોએ જણાવ્યું હતું કે, ગૌહત્યારાઓ સામે કડક પગલાં લેવાં જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. આ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણીઓ સાધુ અને સંતો દ્વારા કરવામાં આવી છે. 

માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા રજૂઆત

હિંદુ સંગઠનો, સાધુ-સંતો અને સ્થાનિકો દ્વારા પ્રશાસનને તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. આ સાથે ગૌહત્યા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લાગુ કરવામાં માટે પણ માંગણી કરવામાં આવી છે. સાધુ-સંતો અને સ્થાનિકો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં માંસ અને ઈંડાની દુકાનો બંધ કરાવવા અંગે રજૂઆત કરવામાં આવી છે. જો તેમની માંગણીઓનો સ્વીકાર નહીં થાય તે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.