Thu Jun 18 2026

Logo

સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની લાલ આંખ, 28 લાખ ગ્રાહકોના જોડાણ કાપવાની શરૂઆત

2026-02-25 15:26:47
Author: Mayur Kumar
Article Image

ભુજઃ રાજકોટ સ્થિત પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા આજથી એટલે કે, ૨૫મી ફેબ્રુઆરીથી સૌરાષ્ટ્ર-કચ્છમાં બાકીદારો પર તવાઈ બોલાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે.  આ ઝુંબેશ અંતર્ગત વીતેલા છ માસથી વીજ બિલ ધરાર ન ભરનારા ૨૮.૬૮ લાખ ગ્રાહકોના વિજ કનેક્શનને ત્વરિત કાપી નાખવામાં આવશે. 

માર્ચ મહિનો શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થવાની સાથે જ પીજીવીસીએલ દ્વારા રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ અને ખેતીવાડી વિસ્તારમાં જે 'માનવંતા' ગ્રાહકોએ રૂ.૬૫૨.૯૯ કરોડ રૂપિયાનું ચડત વીજ બિલ ભર્યુ નથી તેમનું લિસ્ટ બનાવવામાં આવ્યુ હોવાનું જાણવા મળી  રહ્યું છે. 

પીજીવીસીએલ ભુજ વર્તુળ કચેરી હેઠળના ૬૮.૬૫ કરોડ રૂપિયાના બાકી રહેતાં વીજ બિલનું નાણું વસૂલવા ભુજ વર્તુળ કચેરી તથા તેને સંલગ્ન પશ્ચિમ કચ્છના તમામ સબ ડિવિઝનમાં મેગા ડીસકનેક્શન ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે. આ ડ્રાઈવમાં આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઈવ સમયે બાકી વીજ બિલનાં લેણા ધરાવતા વીજ ગ્રાહકોનાં જોડાણનો પુરવઠો સ્થળ પર જ ડીસકનેક્ટ કરવામાં આવશે. 

વીજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈ પણ સંજોગોમાં બિલના નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને ૧૦૦ ટકા લેણાની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી-કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇ-કેવાયસી દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. 

ગ્રાહકોને સૂચિત કરતા જણાવાયું છે કે, બાકી લેણાની રકમમાં અધૂરી રકમ સ્વીકારવામાં આવશે નહીં. જ્યાં સુધી બાકી લેણાની પૂરી રકમ ભરપાઈ કરવામાં નહીં આવે, ત્યાં સુધી વીજ જોડાણ ચાલુ કરવામાં આવશે નહીં. વીજ બિલના બાકીનાં નાણાંની વસૂલાત માટે ભુજ વર્તુળ કચેરી હેઠળના ૨૦ પેટા વિભાગીય કચેરીઓમાં આ આયોજન કરાયું છે. બાકી વીજબિલની રકમ ધરાવતા ગ્રાહકોએ રકમ તાત્કાલિક સ્થાનિક પેટા વિભાગીય કચેરીમાં અથવા ઓનલાઇન વિવિધ માધ્યમો દ્વારા ભરપાઈ કરવા જણાવાયું છે.

(ઉત્સવ વૈદ્ય)