Tue May 19 2026

Logo

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એક વાર વધારો, જાણો ગુજરાતમાં શું થયો નવો ભાવ ?

2026-05-19 08:24:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત થતી મોટી વધ-ઘટ અને પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)માં વધતા લશ્કરી તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. દેશની સરકારી તેલ કંપનીઓએ મંગળવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર આશરે 90 પૈસાનો વધુ વધારો કરી દીધો છે.

સામાન્ય જનતા માટે આ બમણો ફટકો છે, કારણ કે ગયા શુક્રવારે (15 મે) જ તેલ કંપનીઓએ પ્રતિ લીટર આશરે 3 રૂપિયાનો મોટો વધારો કર્યો હતો. એક જ અઠવાડિયાની અંદર ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં આ બીજો મોટો વધારો છે. 

શું છે અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ?

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.97.56થી 86 પૈસા વધી રુ.98.42 થઇ ગયો છે. જ્યારે ડીઝલના ભાવમાં લીટરે 94 પૈસાનો વધારો થયો છે. ડીઝલનો ભાવ પ્રતિ લીટર રુ.94.27 થઇ ગયો છે.

ચાર મહાનગરોમાં હવે નવા રેટ્સ?

દિલ્હી: દિલ્હીમાં હવે પેટ્રોલ પ્રતિ લીટર 98.42 રૂપિયા પર વેચાઈ રહ્યું છે, જેમાં 87 પૈસાનો વધારો થયો છે; જ્યારે ડીઝલની કિંમત પ્રતિ લીટર 91 પૈસા વધીને 91.58 રૂપિયા થઈ ગઈ છે, રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.77 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 98.64 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

મુંબઈ: મુંબઈમાં પેટ્રોલની કિંમત 91 પૈસા વધીને પ્રતિ લીટર 107.59 રૂપિયા અને ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 94.08 રૂપિયા થઈ ગઈ છે.

કોલકાતા: કોલકાતામાં પેટ્રોલના ભાવમાં સૌથી વધુ વધારો નોંધાયો છે, જ્યાં પેટ્રોલ 96 પૈસા વધીને પ્રતિ લીટર 109.70 રૂપિયા થઈ ગયું છે; જ્યારે ડીઝલની કિંમત 94 પૈસા વધીને પ્રતિ લીટર 96.07 રૂપિયા થઈ ગઈ છે.

ચેન્નઈ: ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 82 પૈસા વધીને પ્રતિ લીટર 104.49 રૂપિયા અને ડીઝલની કિંમત 86 પૈસા વધીને પ્રતિ લીટર 96.11 રૂપિયા થઈ ગઈ છે

બજારના વિશ્લેષકો (એનાલિસ્ટ) અને ઉદ્યોગ જગત સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ભાવવધારો વૈશ્વિક સ્તરે ચાલી રહેલી રાજદ્વારી અને લશ્કરી કટોકટીનું સીધું પરિણામ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી ખેંચતાણ તેમજ 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) દરિયાઈ માર્ગ પર સપ્લાય ખોરવાઈ જવાની આશંકાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $100 ને વટાવી ગઇ છે.

જેના કારણે ભારતની રિફાઇનિંગ કંપનીઓને રોજ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું. જો કે, ગયા અઠવાડિયે થયેલા 3 રૂપિયાના વધારાથી કંપનીઓના નુકસાનમાં આશરે 25 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ પડતર કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના મોટા તફાવતને સરભર કરવા માટે આ નવો વધારો કરવામાં આવ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક કટોકટી જલ્દી શાંત નહીં થાય, તો આવનારા દિવસોમાં ટુકડે-ટુકડે આવો હજી વધુ ભાવવધારો જોવા મળી શકે છે.

ટ્રાન્સપોર્ટેશન અને તમારા ખિસ્સા પર સીધી અસર

એક જ અઠવાડિયામાં ઇંધણ (પેટ્રોલ-ડીઝલ)ના ભાવમાં કુલ મળીને આશરે 4 રૂપિયાના વધારા (Cumulative Hike) કારણે સામાનની હેરફેર (ટ્રાન્સપોર્ટેશન) અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર પર સૌથી વધુ અને સીધી અસર પડશે. ડીઝલ મોંઘું થવાથી દેશભરમાં જરૂરી ચીજવસ્તુઓ, શાકભાજી, ફળો અને રોજિંદા સામાનના પરિવહનનો ખર્ચ વધી જશે, જેના લીધે આવનારા અઠવાડિયામાં છૂટક મોંઘવારી (Retail Inflation)માં ફરી એકવાર મોટો ઉછાળો જોવા મળી શકે છે.