Wed Aug 26 2026

Logo

કૉંગ્રેસના નેતા પવનરાજે નિંબાળકર હત્યાકેસનો ચુકાદો 20 જૂને આવવાની શક્યતા

2026-06-16 17:41:00
Author: Yogesh D. Patel
કૉંગ્રેસના નેતા પવનરાજે નિંબાળકર હત્યાકેસનો ચુકાદો 20 જૂને આવવાની શક્યતા

મુંબઈ: રાજ્યના કૉંગ્રેસના નેતા પવનરાજે નિંબાળકર અને તેમના ડ્રાઇવર સમદ કાઝીની 2006માં થયેલી હત્યાના કેસમાં ચુકાદો 20 જૂને આવવાની શક્યતાા છે. આ કેસમાં નિંબાળકરના પિતરાઇ અને એનસીપીના ભૂતપૂર્વ સાંસદ પદ્મસિંહ પાટીલ આરોપી છે.

આ મામલો ચુકાદા માટે મંગળવારે સુચિબદ્ધ કરાયો હતો. જોકે વિશેષ કોર્ટના જજ સત્યનારાયણ નવાંદકરે મામલો 20 જૂન સુધી મોકૂફ રાખ્યો હતો અને જણાવ્યું હતું કે ચુકાદા માટે તેઓ વધુ બેથી ત્રણ દિવસ લેશે.

રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને નાયક મુખ્ય પ્રધાન સુનેત્રા પવારના સાવકા ભાઇ પાટીલ અને અન્ય સાત જણ હત્યાકેસમાં આરોપી છે. પવનરાજે નિંબાળકરના પુત્ર ઓમપ્રકાશ રાજે નિંબાળકર હાલ શિવસેના (યુબીટી)ના લોકસભાના સભ્ય છે. 

3 જૂન, 2006ના રોજ પવનરાજે નિંબાળકર અને તેમના ડ્રાઇવર સમદ કાઝી સાથે કારમાં મુંબઈથી ઉસ્માનાબાદ (હવે ધારાશિવ) જઇ રહ્યા હતા ત્યારે નવી મુંબઈના કળંબોલી ખાતે બે શૂટરે તેમની કારને આંતરી હતી અને ગોળીબાર કર્યો હતો, જેમાં બંનેનાં મોત થયાં હતાં.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના જણાવ્યા અનુસાર આ કેસના મુખ્ય આરોપી પાટીલ પર આરોપ છે કે તેણે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું અને રાજકીય-વ્યાવસાયિક દુશ્મનાવટને કારણે પોતાના પિતરાઇ પવનરાજે નિંબાળકરની હત્યા માટે સુપારી આપી હતી.

પાટીલ ઉપરાંત આ કેસમાં અન્ય આરોપીઓમાં લાતુરના વેપારી સતીશ મંદાડે, નિવૃત્ત સ્ટેટ એક્સાઇઝ ઇન્સ્પેક્ટર મોહન શુકલા અને શૂટરોનો સમાવેશ છે.

આ કેસની વિગત અનુસાર પારસમલ જૈન નામના શખસે પવનરાજે નિંબાળકરની હત્યા માટે મોહન શુકલા અને સતીશ મંદાડે પાસેથી 30 લાખ લીધા હતા. જોકે બાદમાં તેને માફી બક્ષવામાં આવી હતી. 

નવી મુંબઈ પોલીસે કેસની તપાસ શરૂ કરી હતી, પણ નિંબાળકરની પત્નીએ તપાસની પ્રગતિ પર અસંતોષ વ્યક્ત કર્યા બાદ બોમ્બે હાઇ કોર્ટે કેસ સીબીઆઇને ટ્રાન્સફર કર્યો હતો. 

જૂન, 2009માં પાટીલની ધરપકડ કરવામાં આવી હતી અને અલીબાગની સેશન્સ કોર્ટે સપ્ટેમ્બર, 2009માં તેમના જામીન મંજૂર કર્યા હતા.

(પીટીઆઇ)