Wed Jun 17 2026

Logo

પાટીદારોમાં છૂટાછેડા પછી દીકરીના બાપ પૈસા ગણે એ શરમજનક દીકરા-દીકરી મા-બાપનું માનતાં નથી

2026-01-17 15:34:00
Author: MayurKumar Patel
Article Image

સુરતઃ સુરતમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમમાં સીદસર ઉમિયાધામના પૂર્વ પ્રમુખ  જેરામભાઈ વાંસજાળિયાએ કહ્યું કે, પાટીદાર દીકરા-દીકરીઓના ઘડતરમાં ખામી છે, દર અઠવાડિયે ડિવોર્સના બે-ત્રણ કેસ આવે છે. જેના અનુસંધામાં રાજકોટથી ભાજપના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું, છૂટાછેડા પછી દીકરીના બાપ પૈસા ગણવા બેસે  એ સમાજ માટે શરમજનક છે. દીકરા-દીકરી મા-બાપનું માનતાં નથી. બહુ મોડું થઈ ગયું છે, આપણો સમાજ પાછળ રહી ગયો છે.

શું બોલ્યા રૂપાલા

રૂપાલાએ કહ્યું, જેરામ બાપાએ છૂટાછેડાની વાત કરી કે આ બધું વધતું જાય છે એનું કાંઈક કરવું જોઈએ, પણ મારા મતે છૂટાછેડાએ મહત્વની વાત નથી. છૂટાછેડા પછી એના બાપા પૈસા ગણવા બેસે છે એ આપણા માટે શરમજનક છે. આપણે ક્યાં પહોંચી ગયા? આપણા સમાજમાં દીકરીના પૈસાની લેતી-દેતીના વિષયો હાલે? કડવા પટેલ સમાજની અંદર? અને મા ની સામે તમે એમ બોલો કે અમે મા ના ઉપાસકો છીએ અને મા મંદિરવાળી જ છે એવું નહીં, મા ઘરવાળી એ છે, ઘરની અંદર જે બેઠી છે ને એને રાજી રાખવાની આવશ્યકતા છે. 

આ ઉપરાંત રૂપાલાએ કહ્યું, પહેલા આપણા લગ્નમાં એવું થતું કે 12 વાગ્યા પછી કોઈ જમવાવાળા આવે તો પીરસનારા સામા મળે. એ આપણા સમાજની શાખ હતી, એ આબરૂ હતી. તે દી હારથીયા આપણા આ કરતા હતા. એ  આપણી શાખ હતી. હવે આ કેટરિંગવાળાને સોંપ્યું છે એટલે ચાલ્યા રાખે છે, બગાડ પણ એટલો થાય છે. થાળીઓ એમને એમ ભરેલી નાખી દેવામાં આવે છે, એટલે બગાડ પણ વધારે થાય છે.  આ બધી ચીજોમાં આપણા સમાજની શાખ ખોવાઈ રહી છે. મૂળ વિષય આ છે અને એ શાખ ઘવાતી ઘવાતી પછી ત્યાં સુધી ગઈ કે હવે દીકરા-દીકરી માનતાં નથી. પણ મારો સ્પષ્ટ મત છે કે એમાં દીકરા અને દીકરીઓનો વાંક નથી, આપણો વડીલોનો વાંક છે, આપણે તેમને ઘડતા નથી.

પરષોત્તમ રૂપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, માત્ર બહાર સંગઠિત થવાની વાતો કરવાને બદલે સૌથી પહેલા ઘર અને કુટુંબમાં એકતા લાવવી જરૂરી છે. જો આપણે વિખેરાયેલા રહીશું તો 'બટોગે તો કટોગે' વાળી વાત સાચી સાબિત થશે.સમય બદલાયો છે, ત્યારે સમાજના શ્રેષ્ઠીઓએ ભેગા મળી નવા સમય મુજબના સામાજિક નિયમો બનાવવા જોઈએ. જો અત્યારે ફેરફાર નહીં કરીએ તો બહુ મોડું થઈ જશે. આંતરિક વિખવાદોને કારણે આખી પેઢીઓ પાયમાલ થઈ રહી છે, જે સમાજના અસ્તિત્વ સામે ખતરો છે. : ગ્લોબલ વિલેજના આ યુગમાં જ્યારે ભારતની પ્રતિષ્ઠા વધી રહી છે, ત્યારે સમાજ કોઈ ચોક્કસ માળખા વગર અને મનફાવે તેમ ચાલે તે હવે પરવડે તેમ નથી.

રૂપાલાએ સમાજને સમાજલક્ષી કાર્યક્રમો કરવાની સાથે સાથે આંતરિક એકતા વધારવા અને બદલાતા સમય મુજબ સામાજિક સુધારા અપનાવવા આહવાન કર્યું હતું.