પ્રફુલ શાહ
પંડિત સુખરામ શર્મા
ઘણીવાર વ્યક્તિ કે નેતા સમય, સંજોગ અને નિયતિના પ્રતાપે અગાઉ કોઈએ ન કર્યું હોય એ કરી બતાવે છે. દાખલા તરીકે સ્વ. વડા પ્રધાન રાજીવ ગાંધી દેશમાં રંગીન ટેલિવિઝન લાવ્યા હતા. આ સિવાય પણ ઘણા સકારાત્મક અને વિકાસલક્ષી કામકાજ થયાં હતાં એમના શાસનકાળમાં, પરંતુ સમય બદલાવા સાથે હવે તેમને બોફોર્સ કાંડ, શ્રીલંકામાં મોકલેલા ભારતીય શાંતિ રક્ષક દળ અને તમિળનાડુના શ્રીપેરામબ્દુરમાં ભયંકર બોમ્બ ધડાકામાં થયેલા કમોત બદલ યાદ કરાય છે.
આ ઉલ્લેખનું કારણ છે પંડિત સુખરામ શર્મા. એમના પૂરા નામમાં સમાયેલા શબ્દો એક અલગ જ વ્યક્તિત્વ અને આભાનો અણસાર આપે પણ... સાત વખત વિધાનસભા અને ત્રણ વાર લોકસભાની ચૂંટણી જીતનારા સુખરામ શર્માનો જન્મ 27 જુલાઈ 1927ના રોજ હિમાચલ પ્રદેશના કોટલીમાં 10 સંતાનોવાળા ગરીબ પરિવારમાં થયો હતો. દિલ્હી લો સ્કૂલમાં અભ્યાસ બાદ 1953 મંડી જિલ્લા અદાલતમાં વકીલ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી. 1962માં તેઓ હિમાચલ પ્રદેશના ટેરિટોરિયલ કાઉન્સિલના સભ્ય બન્યા.
સુખરામ શર્માએ રાજકીય કારકિર્દીનો આરંભ 1963માં મંડી વિધાનસભા બેઠક કૉંગ્રેસની ટિકિટ પર જીતીને કર્યો અને આ પ્રતિનિધિત્વ ઠેઠ 1984 સુધી કર્યું. 1984માં લોકસભા માટે ચૂંટાયા અને રાજીવ ગાંધીની સરકારમાં જુનિયર મંત્રી તરીકે પદ તરત મળી ગયો.
તેમને સંરક્ષણ ઉત્પાદન અને સપ્લાય, આયોજન અને ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના પ્રધાન તરીકેની જવાબદારી સોંપાઈ હતી. 1993થી 1996 વચ્ચે સુખરામ દૂરસંચાર યાની ટેલિકોમ્યુનિકેશન ખાતું સંભાળતા કેન્દ્રિય રાજ્ય પ્રધાનની રૂએ જ સ્વતંત્ર અખત્યાર સાથે.
આ હોદ્દા સંભાળવા દરમિયાન તેમણે ઘણું કરી નાખ્યું, લિટરલી હોં. ઘણાને યાદ નહિ હોય કે મોબાઇલ ફોન ભારતમાં લાવવા પાછળની રસપ્રદ કહાનીના હીરો સુખરામ છે. તેઓ દૂરસંચાર પ્રધાનની રુએ જાપાન ગયા હતા. તેમના ધ્યાનમાં આવ્યું કે કારમાં જાપાની ડ્રાઇવરના ખિસ્સામાં મોબાઇલ ફોન હતો. આ જોઈને તેમને વિચાર આવ્યો કે જો જાપાન પાસે આ ટેક્નોલોજી હોઈ શકે તો ભારતમાં શા માટે નહીં? જાપાનનો પ્રવાસ તો પૂરો થઈ ગયો પણ મોબાઇલ ફોન મનમાં ઘર કરી ગયો.
જોકે સુખરામ ખુદ ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને પણ મોબાઇલ ફોન ભારતમાં આવવાનો શ્રેય આપતા હતા. રાજીવ ગાંધી ભારતમાં કમ્પ્યુટર અને ટેલિફોનને ઘરઘર પહોંચાડવા એકદમ તત્પર હતા.
સુખરામે પોતાના વિઝન વિશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. ધીરુભાઈ અંબાણી સાથે વાત કરી. ધીરુભાઈએ કહ્યું હતું કે એક દિવસ મોબાઇલ ટેલિફોન ઇન્ડસ્ટ્રી ખૂબ નફામાં રહેશે. આજે રિલાયન્સ જિયો દેશનો સૌથી મોટો મોબાઇલ ટેલિકોમ ઓપરેટર છે એ યોગાનુયોગ નથી જ. ધીરુભાઈમાં ગજબની દૂરંદેશી અને વેપારી કુનેહ ભારોભાર હતા.
અલબત્ત, ઘણાંને ત્યારે દેશમાં મોબાઇલ ફોન આવે એ શક્યતા જ હાસ્યાસ્પદ લાગતી હતી. સુખરામે જ હળવાશ સાથે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે નેવુંના દાયકામાં આ પ્રકારની ટેક્નોલોજી વિશે વાત કરવામાં પણ ઘણી અડચણો હતી. એક વખત તેમણે જનસભામાં કહી દીધું કે એક દિવસ તમારાં બધાના ખિસ્સામાં મોબાઇલ ફોન હશે તો તેમની વાતને શંકાભરી નજરે જોવામાં આવી. કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે હજી ઘરોમાં પૂરતા લેન્ડલાઇન ફોન (એ સમયે ફોન માટે અરજ કર્યા બાદ 15-20 વર્ષે માંડ ફોનના કાળા ડબ્બાના ઘરમાં પગલાં પડતાં હતાં) નથી અને મોબાઇલ ફોનની વાતો કરો છો?! પછીથી મોબાઇલ ફોનમાં કેમેરા પણ ફિટ થઈ ગયા એનું સુખરામને ય આશ્ર્ચર્ય થયું હતું.
જો કે પંડિત સુખરામ શર્મા હજી ઘણાં અને મોટા આશ્ર્ચર્ય અને આઘાત પામવાના હતા અને આપવાના પણ હતા.
(ક્રમશ:)