ઇસ્લામાબાદ: પાકિસ્તાને તાજેતરમાં ચીન પાસેથી 250 SH-15 155mm ટ્રક-માઉન્ટેડ સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી સિસ્ટમ્સ ખરીદી છે અને તેને ભારત સાથેની પશ્ચિમી સરહદ પર વ્યૂહાત્મક વિસ્તારોમાં તૈનાત કરવાનું શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, મે 2025માં ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા આતંકવાદ વિરોધી 'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાને આ પગલું ભર્યું છે.
આ ઓપરેશન દરમિયાન નિયંત્રણ રેખા પાર કરીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં પાકિસ્તાનની સૈન્ય તાકાતને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ નુકસાનની ભરપાઈ કરવા અને પોતાની સૈન્ય શક્તિ વધારવા પાકિસ્તાને આ 250 આધુનિક સિસ્ટમ્સને પ્રાથમિકતા આપી છે તેમ સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે.
મળતી વિગતો અનુસાર, ચીનની સરકારી કંપની દ્વારા બનાવવામાં આવેલી SH-15 સિસ્ટમ અત્યંત આધુનિક અને ઝડપી છે. તે 155mm/52-કેલિબર વાળી સિસ્ટમ 6x6 આર્મર્ડ ટ્રક ચેસિસ પર લગાવેલી છે, જે રસ્તા પર 90 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ આર્ટિલરી સામાન્ય રાઉન્ડ દ્વારા 30 થી 40 કિમી અને રોકેટ-આસિસ્ટેડ ગોળા દ્વારા 53 થી 72 કિમી સુધી સચોટ નિશાન પર હુમલો કરી શકે છે. તેની આ ક્ષમતાને કારણે, દુશ્મનના રડાર તેને ટ્રેક કરે તે પહેલાં જ તે ફાયરિંગ કરીને પોતાનું સ્થાન બદલી નાખે છે, જે તેને પરંપરાગત આર્ટિલરી કરતા વધુ ખતરનાક બનાવે છે.
સરહદ પર આ આર્ટિલરીની તૈનાતીથી ભારતના અનેક સૈન્ય મથકો, લોજિસ્ટિક રૂટ અને સૈન્ય ચોકીઓ પાકિસ્તાનની રેન્જમાં આવી શકે છે. આ પગલું ચીન અને પાકિસ્તાન વચ્ચેની ગાઢ સંરક્ષણ ભાગીદારી દર્શાવે છે અને પ્રાદેશિક શક્તિ સંતુલનને અસર કરી રહ્યું છે.
જોકે ભારત પાસે K-9 વજ્ર જેવી મજબૂત અને સુરક્ષિત ટ્રેક્ડ સિસ્ટમ છે, પરંતુ પાકિસ્તાનની આ વ્હીલ્ડ આર્ટિલરીની ઝડપી ગતિવિધિ ભારતીય સેના માટે પડકારજનક બની શકે છે. બંને દેશો વચ્ચે પહેલાથી જ તણાવપૂર્ણ સરહદ પર આવી ભારે શસ્ત્ર તૈનાતી કોઈ નાની ગેરસમજને પણ મોટા સંઘર્ષમાં ફેરવી શકે છે.
એવું પણ કહેવાય રહ્યું છે કે પાકિસ્તાનની આ શસ્ત્ર ખરીદી તેની સૈન્ય નબળાઈઓને દૂર કરવાનો પ્રયાસ છે, પરંતુ વર્તમાન આર્થિક સંકટ વચ્ચે આટલી મોટી સંખ્યામાં હથિયારો જાળવી રાખવા તેના માટે મોટો પડકાર હશે. વધુમાં ચીન પરની આ હદે નિર્ભરતા પાકિસ્તાનની પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતાને નુકસાન પહોંચાડી શકે છે. પાડોશી દેશની સરહદ પર વધી રહેલા આ સૈન્યીકરણને જોતાં, ભારતને પણ ભવિષ્યના જોખમોનો સામનો કરવા માટે પોતાની આર્ટિલરીના આધુનિકીકરણને વધુ ઝડપી બનાવવાની અને ગુપ્તચર દેખરેખ મજબૂત કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.