(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે મહારાષ્ટ્ર વિધાનભવનના પગથિયાં પર વિપક્ષી દળોએ રાજ્યની મહાયુતિ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ઓછામાં ઓછી ટેક્નિકલ શરતો સાથે સંપૂર્ણ લોનમાફી આપવાની (ખેડૂતોના 7/12 કોરા કરવાની) માગણી કરવામાં આવી છે.
શિવસેના (યુબીટી)ના આદિત્ય ઠાકરે, અંબાદાસ દાનવે અને કોંગ્રેસના સતેજ પાટીલના નેતૃત્વમાં વિપક્ષી વિધાનસભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ખેડૂતોને સંપૂર્ણ લોન માફી મળવી જોઈએ અને સરકારે તેનો અમલ કરવો જોઈએ એવી માગણી તેમણે કરી હતી.
રાજ્ય સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે, પરંતુ વિપક્ષે એવો દાવો કર્યો હતો કે આ યોજના સાથે જોડાયેલી ઘણી શરતો ઘણા પાત્ર લાભાર્થીઓને બાકાત રાખશે.
બીજી જૂને મહારાષ્ટ્ર કેબિનેટે 36,585 કરોડ રૂપિયાની કૃષિ લોન માફી યોજનાને મંજૂરી આપી, જેનો લગભગ 56 લાખ ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે. ‘પુણ્યશ્ર્લોક અહિલ્યાદેવી હોલકર શેતકરી કરજ-મુક્તિ યોજના’ નામની આ યોજના બે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફી પૂરી પાડે છે. તેમાં ત્રણ ઘટકો છે - લોન માફી, એક વખતની પતાવટ અને પ્રોત્સાહન લાભો - અને પાત્રતા માટે કોઈ જમીન માલિકીનો માપદંડ રહેશે નહીં.
માફી ઘટક હેઠળ, જે ખેડૂતોની કુલ બાકી ટૂંકા ગાળાની પાક લોન, જેમાં મુદ્દલ અને વ્યાજનો સમાવેશ થાય છે, બે લાખ રૂપિયા સુધીની છે તેઓ સંપૂર્ણ દેવા રાહત માટે પાત્ર બનશે. લોન પહેલી એપ્રિલ, 2019 અને 31 માર્ચ, 2025ની વચ્ચે વિતરિત કરવામાં આવી હોવી જોઈએ. 30 સપ્ટેમ્બર, 2025 સુધીની મુદત ધરાવતી હોવી જોઈએ અને 31 માર્ચ, 2026 સુધી ચૂકવવામાં આવી ન હોવી જોઈએ.
જે ખેડૂતોના બાકી લેણા બે લાખ રૂપિયાથી વધુ છે તેમને ઓટીએસ ઘટક હેઠળ આવરી લેવામાં આવશે. આવા દેવાદારોએ બે લાખ રૂપિયાથી વધુની રકમ ચૂકવવી પડશે, ત્યારબાદ તેઓ બે લાખ રૂપિયાની માફી માટે પાત્ર બનશે. તેમને બાકી રકમનો તેમનો હિસ્સો જમા કરાવવા માટે 31 માર્ચ, 2027 સુધીનો સમય આપવામાં આવ્યો છે.