Tue Sep 15 2026

Logo

મુન્દ્રામાં સવારે માત્ર પોણા કલાકમાં એક ઇંચ વરસાદ: કચ્છમાં આજે પણ ભારે વરસાદની સંભાવના

2026-08-03 10:33:00
Author: Mumbai Samachar Team
મુન્દ્રામાં સવારે માત્ર પોણા કલાકમાં એક ઇંચ વરસાદ: કચ્છમાં આજે પણ ભારે વરસાદની સંભાવના

ભુજઃ બંગાળની ખાડીમાં સર્જાયેલી વિવિધ વરસાદી સિસ્ટમના પગલે રણપ્રદેશ કચ્છમાં મોડેથી ચોમાસું જામ્યું છે. એક દિવસના વિરામ બાદ બંદરીય મુંદરામાં માત્ર પોણા કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ મોસમનો કુલ વરસાદ ૧૪૨ મિ.મી. (છ ઇંચ) પર પહોંચ્યો છે. હવામાન વિભાગે સોમવારે પણ કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

મુંદરા શહેરમાં વરસેલા એક ઇંચ વરસાદને પગલે જવાહર ચોક, માંડવી ચોક, વાંકલ બજાર અને નવલખા બંગલા સહિતના વિસ્તારોના રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા. મુંદરા તાલુકાના નાના કપાયા અને ધ્રબ વિસ્તારમાં પણ એક ઇંચ, જ્યારે સમાઘોઘામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે બફારાથી અકુળ-વ્યાકુળ નગરજનોને રાહત મળી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ, આ સમયસરનો વરસાદ પાક માટે અત્યંત ગુણકારી સાબિત થશે.

જિલ્લા મથક ભુજમાં મેઘરાજાના વિરામ વચ્ચે મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સે. નોંધાયું હતું. કલાકના ૧૨ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનોને કારણે ગરમીમાં રાહત રહી હતી, જોકે સવારે ભેજનું પ્રમાણ ૯૫ ટકા રહેતાં બપોરે સહેજ બફારાનો અનુભવ થયો હતો. સમગ્ર કચ્છમાં તાપમાન ૩૧થી ૩૩ ડિગ્રી વચ્ચે રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

દરમ્યાન, વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠનના જણાવ્યા અનુસાર, હિન્દ મહાસાગરમાં પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ (આઈઓડી) સક્રિય થવાની શક્યતા છે. આ નવી સમુદ્રી પેટર્નને કારણે અત્યાર સુધી નબળા રહેલા ચોમાસા માટે જવાબદાર ગણાતા 'અલ નીનો'ની વિપરીત અસર ઓછી થશે, જેથી આગામી દિવસોમાં ભારતમાં ચોમાસું વધુ મજબૂત બનવાની આશા જાગી છે.

(ઉત્સવ વૈદ્ય)