Sun May 17 2026

Logo

NID એ હવે સેમિકન્ડક્ટર ચિપ સહિત હાઇ-ટેક ડિઝાઇન ક્ષેત્રમાં પ્રવેશ કરશે

2026-05-17 20:04:31
Author: Chandrakant Kanoja
Article Image

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી  અમિત શાહે આજે  અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID) ખાતે ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટર(IIC)નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે  જણાવ્યું કે  એનઆઇડી એક એવી સંસ્થા છે જે સર્જનાત્મકતા, નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાનો સેતુ બનાવે છે. તેમજ એનઆઇડી હવે સેમિકન્ડક્ટર ચિપ સહિત હાઇ-ટેક ડિઝાઇન ક્ષેત્રમાં પ્રવેશ કરશે. 

વ્યવસાયિક ક્ષમતાને સંપૂર્ણ બહાર લાવવાની જરૂર 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ક્રિકેટના ક્ષેત્રનું ઉદાહરણ આપતા ભૂતકાળના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભૂતકાળમાં સુનીલ ગાવસ્કર જેવા મહાન ખેલાડીઓને પણ ટેસ્ટ મેચ દીઠ ખૂબ ઓછું વળતર મળતું, જેના કારણે માતા-પિતા બાળકોને ક્રિકેટ રમતા રોકતા હતા. પરંતુ આઇપીએલ આવ્યા પછી ક્રિકેટ એક શાનદાર કરિયર બની ગયું છે. એનઆઈડી અને ડિઝાઇન ક્ષેત્રે પણ આ જ પ્રકારના વ્યવસાયિક ક્ષમતાને સંપૂર્ણ બહાર લાવવાની જરૂર છે. દેશના પ્રતિભાશાળી  ડિઝાઇનર્સને યોગ્ય પ્લેટફોર્મ અને વળતર મળવું જ જોઈએ જેથી મધ્યમ વર્ગના યુવાનો પણ આ ક્ષેત્રને કરિયર તરીકે સ્વીકારવામાં ખચકાય નહીં.

ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર્સની સ્થાપના  પ્રશંસનીય પહેલ 

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે એનઆઇડીએ ઇન્ક્યુબેશન અને ઇનોવેશન સેન્ટર્સની સ્થાપના કરીને એક પ્રશંસનીય પહેલ કરી છે. તેમજ આગામી દિવસોમાં એનઆઇડીએ  આ બંને ક્ષેત્રોના વ્યક્તિઓને એકસાથે લાવવા જોઈએ. ત્યારે જ આપણે દેશમાં ડિઝાઇનની સંપૂર્ણ 100 ટકા સંભાવનાને અનલૉક કરી શકીશું. તેમજ યુવાનો કોઈપણ ખચકાટ વિના તેને કારકિર્દી પસંદગી તરીકે સ્વીકારશે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી) ખાતે નવનિર્મિત ‘ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટર’ના  લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે  કેન્દ્રીય વાણિજ્ય તથા ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ  જગદીશ વિશ્વકર્મા પણ  ઉપસ્થિતિ રહ્યા હતા.