નેપાળ-તિબેટ સરહદ પર આવેલો લાંગટાંગ-ત્રિશૂલી વિસ્તાર પર્યાવરણીય દ્રષ્ટિએ ભારે સંવેદનશીલ બની ગયો છે. તાજેતરમાં લિરુંગ પર્વત પરથી ગ્લેશિયર તૂટવાથી ત્રિશૂલી નદીમાં આવેલું પૂર એક ચેતવણી સમાન છે. વૈજ્ઞાનિકોના દાવા અનુસાર અહીં 47 જેટલા ગ્લેશિયર લેક્સ આવેલા છે, જે ભવિષ્યમાં વિનાશક પૂર લાવવાની પણ શક્યતા છે.
ગુરુવારે નેપાળ-તિબેટ સરહદ પર આવેલા વિનાશક પૂર પછી ફરી હિમાલયની પર્યાવરણીય વ્યવસ્થા પર તોળાઈ રહેલા જોખમનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. લાંગટાંગ લિરુંગ પર્વતની ઢોળાવ પરથી ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટી પડ્યો હતો. તેના કારણે થોડા સમય માટે પાણીનો પ્રવાહ અટકી ગયો અને ત્યારબાદ ત્રિશૂલી નદીમાં ભયાનક પૂર આવ્યું હતું, જેમાં હજારો લોકો ગુમ થવાની સાથે સેંકડો લોકોના મોત થયા છે.
હવે સવાલ એ છે કે આ વિસ્તારમાં કેટલી ગ્લેશિયર લેક્સ આવેલા છે અને શું તે ભવિષ્યમાં મોટું જોખમ ઊભું કરી શકે છે? વૈજ્ઞાનિક અભ્યાસો મુજબ જવાબ ચિંતાજનક છે. લાંગટાંગ ખીણ અને ત્રિશૂલી નદીનું બેસિન નેપાળ-ચીન સરહદનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર છે. અહીં ઊંચાઈવાળા વિસ્તારોમાં ગ્લેશિયરો ઝડપથી પીગળી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે.
નેપાળમાં એકલામાં 2,000થી વધુ જળાશયો
આમાંથી મોટા ભાગનાં સરોવરો કોસી બેસિનમાં આવેલા છે. ગ્યિરૉંગ-ત્રિશૂલી અને પોઈક્કુ-ભોટેકોસી જેવા સરહદ પારના બેસિન પર થયેલા અલગ-અલગ અભ્યાસોમાં પણ અનેક જળશયોને ઉચ્ચ જોખમવાળા ગણાવવામાં આવ્યા છે. કેટલાક અહેવાલો મુજબ નેપાળમાં કુલ ગ્લેશિયર જળાશયોની સંખ્યા 2,000થી વધુ છે. આ સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2000થી 2020 દરમિયાન ઘણા વિસ્તારોમાં જળાશયોની સંખ્યા તેમ જ તેમનું ક્ષેત્રફળ બંનેમાં નોંધપાત્ર વધારો થયો છે. લાંગટાંગ વિસ્તારમાં પણ છેલ્લા બે દાયકામાં ગ્લેશિયર જળાશયોની સંખ્યા ઘણી વધી છે.
ભવિષ્યમાં આવા અકસ્માતોનું જોખમ
વૈજ્ઞાનિકોનું સ્પષ્ટ માનવું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ વધી શકે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયરો ઝડપથી પાછળ ખસી રહ્યા છે, નવા જળાશયો બની રહ્યા છે અને જૂના જળાશયોનું કદ વધી રહ્યું છે. ગ્લેશિયર દ્વારા છોડવામાં આવેલી માટી અને પથ્થરોની બનેલી દીવાલને મોરેન કહેવામાં આવે છે. આ મોરેન પણ નબળી પડી રહી છે, કારણ કે પર્માફ્રોસ્ટ પીગળી રહ્યો છે.
ભારે ચોમાસું, ભૂકંપ અને હિમસ્ખલન આ જળાશયોને અચાનક તૂટી પડવા માટે ટ્રિગર કરી શકે છે. કેટલાક અભ્યાસોનું અનુમાન છે કે ઉચ્ચ પર્વતીય એશિયામાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડનું જોખમ આ સદીના અંત સુધીમાં લગભગ ત્રણ ગણું વધી શકે છે.
ચીન-નેપાળ સરહદનો વિસ્તાર ખાસ કરીને સંવેદનશીલ છે, કારણ કે ઘણા ગ્લેશિયર જળાશયો સરહદની ઉત્તર તરફ આવેલા છે. જો ત્યાં અચાનક પૂર આવે તો તેનું પાણી થોડા જ સમયમાં નેપાળ સુધી પહોંચી શકે છે. ભોટેકોસી, મેલમ્ચી, સિક્કિમ અને અન્ય વિસ્તારોમાં અગાઉ બનેલી ઘટનાઓ પણ આ જોખમની પુષ્ટિ કરે છે.
હવે શું કરવાની જરૂર છે?
વૈજ્ઞાનિકો સતત ચેતવણી આપી રહ્યા છે કે ગ્લેશિયરવાળા જળાશયોની સતત દેખરેખ, વહેલી ચેતવણી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સરહદ પારના દેશો વચ્ચે સહયોગ ખૂબ જરૂરી છે. ભૂતકાળમાં કેટલાક જોખમી સરોવરોનું પાણીનું સ્તર ઘટાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. પરંતુ ઝડપથી બદલાઈ રહેલા હવામાનના સંજોગોમાં માત્ર એક-બે જળાશયો પર ધ્યાન આપવું પૂરતું નથી.
નેપાળ જેવા પહાડી દેશે આંતરરાષ્ટ્રીય સહયોગ, સ્થાનિક સ્તરે આપત્તિ માટેની તૈયારી અને જળવિદ્યુત યોજનાઓની સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવું પડશે. તાજેતરના પૂરે સાબિત કર્યું છે કે જોખરો માત્ર મોટા ગ્લેશિયર જળાશયો પૂરતા મર્યાદિત નથી. ગ્લેશિયરની અસ્થિરતા, મોરેનનું તૂટી પડવું અને નદીઓના પ્રવાહમાં અસ્થાયી અવરોધ પણ અચાનક વિનાશક પૂરનું કારણ બની શકે છે.
નેપાળ-તિબેટ સરહદનો વિસ્તાર ગ્લેશિયર જળાશયોથી ભરેલા છે અને વૈજ્ઞાનિક આંકડાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે જળવાયુ પરિવર્તનને કારણે ભવિષ્યમાં આવી વધુ વિનાશક ઘટનાઓ બની શકે છે. સમયસર તૈયારી અને યોગ્ય પૂર્વચેતવણી જ જાનમાલનું નુકસાન ઘટાડવાનો સૌથી મહત્વનો રસ્તો છે.