Thu May 14 2026

Logo

NEET પેપરલીક કેસઃ NTAના અધિકારીઓ રડારમાં, વધુ બે વ્યક્તિઓની ધરપકડ

2026-05-14 22:17:12
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નીટની પરીક્ષાનું પેપર લીક થઈ જતા પ્રશ્નપત્રની સુરક્ષામાં મોટી ચૂક ઉઘાડી પડી હતી. આ મામલે હવે કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે.  NTA (નેશનલ ટેસ્ટિંગ એન્જસી)ના જ અધિકારી તપાસ એજન્સીના રડારમાં આવ્યા છે. આ સિવાય મહારાષ્ટ્રના લાતુરના એક નિવૃત પ્રોફેસરની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સી ટેસ્ટિંગ એજન્સીના બે અધિકારી, પ્રિન્ટિગ પ્રેસ અને કોચિંગ નેટવર્ક સાથે જોડાયેલા લોકોની તપાસ કરી રહી છે. 

વધુ બે વ્યક્તિઓની ધરપકડ

CBI (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)એ તપાસ કરતા નીટ પેપર લીક કેસમાં વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ એજન્સીના અધિકારીના જણાવ્યા અનુસાર આ કેસમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સીના બે અધિકારી પણ રડારમાં છે. એમની ભૂમિકા પર આશંકા છે. એમને પણ તપાસના દાયરામાં આવરી લેવાયા છે.કારણ કે, આ લોકોની પ્રશ્નપત્રની પ્રિન્ટિગ સાથે જોડાયેલી કેટલીક પ્રક્રિયા સુધી પહોંચ હતી. આ કેસમાં મહારાષ્ટ્રના અહિલ્યાનગરના ધનંજય લોખંડા અને પૂણેના મનીષા વાઘમારેની ધરપકડ કરવામાં આવી છે. ગુરૂવારે છેલ્લા 24 કલાક પૂરા થતા આ કેસમાં કુલ  14 સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. અસલી સ્ત્રોત અને માસ્ટમાઈન્ડ સુધી પહોંચવા માટે પ્રયાસ ચાલું છે. 

સંબંધીઓમાં શેર કર્યું પેપર

હકીકત એ પણ છે કે, આ કેસમાં એકથી વધારે લોકો સંડોવાયેલા છે અને દરેકની ભૂમિકા અલગ અલગ છે. જયપુરમાંથી માંગિલાલ બીવાલ, વિકાસ બિવાલ અને દિનેશ બિવાલની ધરપકડ કરવામાં આવી છે. માંગિલાલ પેપર માટે 10થી 12 લાખ રૂપિયા આપવા માટે પણ તૈયાર હતો. પોતાના નાના દીકરા માટે આ પ્રશ્નપત્ર લેવા માગતો હતો. શુભમ ખૈરનારે એપ્રિલ મહિનામાં જ યશ યાદવને પ્રશ્નપત્ર અંગે માહિતી આપી દીધી હતી. જે પછી માંગિલાલ સુધી પહોંચી.માંગિલાલે આ પેપર લઈને પછી પોતાના સંબંધીઓની વચ્ચે પણ શેર કર્યું. તપાસ એજન્સીને ચેટ, લીક પ્રશ્નપત્ર અને અન્ય ઈલેક્ટ્રોનિક્સ સુબત પણ મળ્યા છે. આ સિવાય કેટલાક પુરાવાઓની ફોરેન્સિક તપાસ પણ ચાલું છે. જે રીતે રાજસ્થાનનું કોટા કોચિંગ માટેનું હબ છે એ રીતે મહારાષ્ટ્રનું લાતુર કોચિંગ હબ છે.

અનેક કડી જોડીને તપાસ શરૂ

એક વિદ્યાર્થીના વાલીએ કહ્યું હતું કે, લાતુરમાં એક ખાનગી કોચિંગ સેન્ટર દ્વારા આયોજિત મોક ટેસ્ટમાં પણ લીક થયેલા પ્રશ્નપત્રના 42 સવાલ મેચ થયા હતા. આ પછી તપાસ તેજ થઈ ગઈ હતી.આ કેસમાં કોચિંગ સેન્ટરના સંચાલક, સ્ટાફ, કાઉન્સેલર અને વિદ્યાર્થીઓ સહિત 6 વ્યક્તિઓની આકરી ઢબે પૂછપરછ કરવામાં આવીછે. છેલ્લા એક દાયકાના ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે, કોઈ મેડિકલ સંબંધીત પરીક્ષાનું પેપર લીક થયું હોય. આ અંગે સીબીઆઈ પણ અનેક વિષયને લગતા તાર જોડીને તપાસ કરી રહી છે.