નવસારીઃ કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી આર પાટીલના મત વિસ્તાર નવસારી ભાજપમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. 8 હોદ્દોદારોના રાજીનામા સાથે અત્યાર સુધીમાં કુલ 50થી વધુ રાજીનામા પડી જતાં પક્ષમાં ખળભળાટ મચી ગયો છે.
નવસારી જિલ્લા ભાજપમાં સંગઠન રચનાને લઈને હોદેદારોમાં અસંતોષની આગ ભડકી ઊઠી હતી. જલાલપોર વિધાનસભા મતવિસ્તારને યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યું હોવાના મુદ્દે અગાઉ વિજલપોર શહેર, તાલુકા અને જિલ્લા સ્તરે અનેક હોદ્દેદારોએ રાજીનામા આપ્યાં હતા. હવે અસંતોષની આગ નવસારી વિધાનસભા મત વિસ્તારમાં પહોંચતા આઠ જેટલા હોદેદારોએ રાજીનામા ધરી દીધા હતા.
નવસારી વિધાનસભા મત વિસ્તારના નવસારી તાલુકા ભાજપના વધુ આઠ હોદ્દેદારો એ રાજીનામા આપ્યા હતા. જેમાં તાલુકા પ્રમુખ રવિ સોની, ઉપ પ્રમુખ ચેતન પટેલ અને ઈશ્વર હળપતિ, મહામંત્રી કમલેશ નાયક, મંત્રી રવિ વશી અને પ્રણવ ઠાકરે, શક્તિ કેન્દ્રના પ્રમુખ નરેન્દ્ર ઠાકોર તેમજ આદિવાસી મોરચા પ્રમુખ અર્જુન હળપતિનો સમાવેશ થાય છે.
આ મુદ્દે પક્ષ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. મોટી સંખ્યામાં રાજીનામાની ઘટનાને કારણે જિલ્લા રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જિલ્લા નેતૃત્વ દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. હવે આગામી દિવસોમાં પાર્ટી સ્તરે શું નિર્ણય લેવામાં આવશે તેના પર સોની નજર રહેશે.
થોડા સપ્તાહ પહેલાં નવસારીના જલાલપોરના ધારાસભ્ય આર સી પટેલનું ફરી વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું. વિજલપોર વિસ્તારમાં પ્રાચીન શ્રી મઠપુરી માતાજી મંદિર પાસે એક વર્તુળમાં ભારતના મહાન યોદ્ધા મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપિત કરવા માટેના શિલાન્યાસ સમારોહમાં તેમણે આ નિવેદન આપ્યું હતું.
પોતાના ભાષણ દરમિયાન, આર.સી. પટેલે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પર કટાક્ષ કરતા અને તેમને કડક શબ્દોમાં ઠપકો આપતા અનેક વાતો કરી હતી. તેમણે કહ્યું, આશાપુરી માતા સ્ક્વેરનું નામ નવસારીના પ્રખ્યાત શ્રી આશાપુરી માતાજીના નામ પર જ રાખવું જોઈએ. મહારાણા પ્રતાપની પ્રતિમા અહીં સ્થાપિત કરવામાં આવશે અને તેઓ તમને અંદર જવા દેશે નહીં. અહીં સામે જ શિવાજી મહારાજની પ્રતિમા છે.
તેમણે વિજલપોરમાં પોતાના વર્ચસ્વનો સંકેત આપતા જિલ્લા પ્રમુખ ભૂરાલાલ શાહને કહ્યું, “તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું ફોડી લઈશું.” આર.સી. પટેલના આ નિવેદન પર ભાજપ સંગઠને પણ નારાજગી વ્યક્ત કરી હતી.