Fri Sep 11 2026

Logo

‘નેશનલ પેન્શન સિસ્ટમ’ શું છે ?

2026-05-24 09:07:00
Author: Jayesh Chitaliya
‘નેશનલ પેન્શન સિસ્ટમ’ શું છે ?

 

 

 

જયેશ ચિતલિયા

 

તમે નોકરી કરો તો નિવૃત્તિ પછી તમને પ્રોવિડન્ટ ફંડ કે પેન્શન ફંડ મળે, પણ નોકરીને બદલે પોતાનો નાનો બિઝનેસ કરો તો તમને પીએફ કે પેન્શન મળવાનો કોઈ સ્કોપ નથી રહેતો. એમને માટે ખાસ પેન્શન સ્કીમ ચાલે છે, જેનું નામ છે  ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (એનપીએસ). આ સિસ્ટમ વિશે જાણી- સમજીને એનો લાભ લેવા જેવો છે. 

 

દેશમાં બહુ મોટો વર્ગ એવો છે, જેમના કામકાજ-સ્વરોજગારને કારણે તેમને કોઈ પીએફ કે પેન્શન મળવાનું નથી, જેમ કે શાકભાજી, ફળો કે દૂધ સહિત અનેક પ્રકારની ચીજ વસ્તુઓ વેચતા ફેરિયા, રીક્ષાવાળા, ટેકસીવાળા ઉપરાંતના સ્વરોજગાર ધરાવતા લાખો લોકોને પીએફ અને પેન્શન મળવાની કોઈ સુવિધા નથી. આવા વ્યાપક વર્ગને પેન્શનનો લાભ મળે એ હેતુથી સરકારે દાયકાથી વધુ સમય પૂર્વે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) નામે યોજના ઓફર કરી હતી, જેમાં દેશની કોઈપણ વ્યકિત ભાગ લઈ શકે છે અને પોતાની - પરિવારની આર્થિક સલામતીને વધુ નકકર બનાવી શકે છે. 

 

આ ‘એનપીએસ’ને દાયકા ઉપરાંતનો સમય થઈ ગયો હોવાછતાં બિન-સંગઠિત ક્ષેત્રમાં કામ કરતો દેશનો બહુ મોટો વર્ગ એનપીએસથી અજાણ હોવાથી તેના લાભથી દૂર છે અને પૂરતી માહિતીના અભાવે લાખો લોકો ખોટી યોજનાઓમાં નાણાં રોકી કે મૂકી દે છે ને ફસાઈને મૂડી રોકાણ ગુમાવે છે. 

 

‘એનપીએસ’માં થતાં રોકાણનું શું ?

 

સરકાર દ્વારા અર્થાત પેન્શન રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) દ્વારા નિયુકત કરાયેલા પેન્શન ફંડ મેનેજર આ નાણાંનુ રોકાણ ઈકિવટી, ડેટ, બોન્ડસ, ડિબેન્ચર્સ, સરકારી સિકયોરિટીઝ, મની માર્કેટ વગેરે જેવા સાધનોમાં રોકાણ કરે છે. પેન્શન ધારકને આ માટે ત્રણ વિકલ્પ અપાય છે. તેમનું બધું જ રોકાણ કયારેય માત્ર ઈકિવટીમાં કરાતું નથી. પેન્શન એકાઉન્ટ ધારક પોતાની જોખમ લેવાની ક્ષમતાને આધારે રોકાણના વિકલ્પ પસંદ કરે છે. તેમને એક યોજનામાંથી બીજી યોજનામાં શિફટ થવાની છુટ પણ મળે છે.

 

ઈક્વિટી શૅરોમાં રોકાણ

 

ફંડ મેનેજર પોતાની મરજી મુજબ આમ કરી શકતો નથી. તેને એક મર્યાદા આપવામાં આવી હોય છે. જો કે હવે પછી ખુદ પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) તરફથી ઈકિવટીમાં રોકાણ વધારવાની મંજૂરી મળે એવા પ્રયાસ ચાલુ થયા છે. બાય ધ વે, રોકાણકાર-સબ્સક્રાઈબર પોતે કેટલું જોખમ લેવા માગે છે તેના આધારે તે ઈકિવટીનો હિસ્સો વધુ-ઓછો રાખી શકે છે. 

 

આ સ્કીમમાં જેમ-જેમ ધારકની ઉંમર વધતી જાય તેમ તેમ તેમના રોકાણની ટકાવારી બદલાતી જાય છે. સરકાર ભવિષ્યમાં વધુ ને વધુ લોકો આમાં જોડાય એવી અપેક્ષા રાખે છે. આને પગલે મુડીબજાર અને અર્થંતંત્ર બંનેને વેગ મળવાની આશા છે, કારણ કે આ નાણાં ઉત્પાદકીય હેતુસર વપરાશે. બેંક ડિપોઝિટ સહિત સરકારી બચત યોજના પરના ઘટતા વ્યાજદરના માહોલમાં  ‘એનપીએસ’ બહેતર વિકલ્પ બની શકે છે, જેમાં ભાવિ આર્થિક સલામતીનો પણ સમાવેશ થાય છે.

 

આ સ્કીમમાં રોકાણ કરનારાને તેમની કરપાત્ર રકમમાંથી અતિરિક્ત રૂ.50,000ની મુક્તિ અપાઈ છે. આ અતિરિક્ત રૂ.50,000ની છૂટ રોકાણ માટેનું મોટું પ્રોત્સાહન છે. રૂ.10 લાખથી અધિક આવક ધરાવતા અને 30 ટકાના સ્લેબમાં આવતા રોકાણકારો આ જોગવાઈને કારણે ટેકસમાં રૂ.15,450ની બચત કરી શકશે. હવે નવી સુવિધા રૂપે આ સ્કીમમાં રોકાણકાર નાણાંકીય વરસમાં ચાર વાર તેની રોકાણ પેટર્ન બદલાવી શકે છે. આમાં ઓટો સ્કીમ હેઠળ વિવિધ પસંદગી ઉપલબ્ધ છે.

 

 ‘એનપીએસ’નું ટૂંકું ને ટચ...

 

આ સ્કીમમાં 18 થી 70ની વયની કોઈપણ વ્યકિત ભાગ લઈ શકે છે. 

 

આ સ્કીમમાં માસિક મિનિમમ ફાળો રૂ. 500 છે, જયારે મેક્સિમમ વાર્ષિક ફાળો રૂ.1000 છે. નાનાં શહેરોમાં આનાથી પણ નાની રકમમાં રોકાણ થઈ શકે છે. 

 

પેન્શન ફંડના રોકાણ માટે ધારકને ત્રણ વિકલ્પ મળે છે  : ફંડનું ઈકિવટી-  ડેટ અને સરકારી સિકયોરિટીઝમાં રોકાણ થાય છે. જો ઈન્વેસ્ટર પોતે કોઈ વિકલ્પ પસંદ ન કરે તો તે ઓટો સિલેકશનમાં જાય છે. 

 

આ પેન્શન ફંડમાં રોકાણ કરો તે વાર્ષિક પચાસ હજાર સુધી કરમુકિતને પાત્ર છે, જયારે તેના ઉપાડ પર ટેકસ લાગે છે. ચોકકસ ધોરણોને આધિન એનઆરઆઈ પણ આમાં ભાગ લઈ શકે છે.