અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. નાસાના મહત્વાકાંક્ષી 'આર્ટેમિસ II' મિશન હેઠળ ચંદ્રની સફરે ગયેલા ચાર અવકાશયાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા છે. છેલ્લા 50 વર્ષોમાં આ પ્રથમ વખત હતું જ્યારે માનવીએ ચંદ્રની આટલી નજીક જઈને મુસાફરી કરી હોય. આ મિશનની સફળતા સાથે જ ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહત અને ત્યાંથી મંગળ ગ્રહ સુધી પહોંચવાના ભારતના અને વિશ્વના સપનાઓને નવી પાંખો મળી છે.
આર્ટેમિસ II મિશન કુલ 10 દિવસ સુધી ચાલ્યું, જે દરમિયાન અવકાશયાત્રીઓએ 11.16 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું. તેમનું ઓરિયન કેપ્સૂલ દક્ષિણ કેલિફોર્નિયાના દરિયાકાંઠે પ્રશાંત મહાસાગરમાં સફળતાપૂર્વક ઉતર્યું હતું. આ યાત્રા ગત 1 એપ્રિલના રોજ ફ્લોરિડાના કેપ કેનાવેરલથી એસએલએસ (SLS) રોકેટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને આ અવકાશયાત્રીઓએ ચંદ્રના 'ફાર સાઈડ' (પાછળનો ભાગ) પરથી પસાર થઈને નવો રેકોર્ડ પણ બનાવ્યો છે.
આ મિશન માત્ર ચંદ્રની મુસાફરી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે નાસાના લાંબાગાળાના પ્લાનનો એક ભાગ છે. નાસાનો લક્ષ્ય 2028 સુધીમાં ચંદ્ર પર ફરીથી માનવીને ઉતારવાનો અને ત્યાં લાંબો સમય રોકાઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવાનો છે. ચંદ્રને એક 'સ્ટેપિંગ સ્ટોન' તરીકે ઉપયોગ કરીને ભવિષ્યમાં મંગળ ગ્રહ પર માનવ મિશન મોકલવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. 1972 પછી આ પહેલીવાર છે જ્યારે કોઈ મિશન માનવીને ચંદ્રની આટલી નજીક લઈ ગયું હોય.
સ્પ્લેશડાઉન (દરિયામાં ઉતરાણ) દરમિયાન ઓરિયન કેપ્સૂલની ગતિ લગભગ 39 હજાર કિલોમીટર પ્રતિ કલાક હતી. જ્યારે આ કેપ્સૂલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે ઘર્ષણને કારણે તેની બહારનું તાપમાન 2760 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. આ ગરમીને કારણે રેડિયો સંપર્ક પણ થોડી મિનિટો માટે તૂટી ગયો હતો, જે સમગ્ર મિશનનો સૌથી તણાવપૂર્ણ સમય હતો. જોકે, પેરાશૂટ ખુલતાની સાથે જ કેપ્સૂલની ગતિ ધીમી પડી ગઈ હતી અને તે સુરક્ષિત રીતે પાણી પર તરતું જોવા મળ્યું હતું.
આ મિશનમાં સામેલ ચાર અનુભવી અવકાશયાત્રીઓની ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમમાં કમાન્ડર રીડ વાઈઝમેન, પાયલોટ વિક્ટર ગ્લોવર (ચંદ્ર મિશન પર જનારા પ્રથમ અશ્વેત), ક્રિસ્ટિના કોચ (પ્રથમ મહિલા અવકાશયાત્રી) અને કેનેડાના જેરેમી હેનસન (પ્રથમ બિન-અમેરિકન) સામેલ હતા. આ ટીમે ચંદ્રના અદભૂત ફોટા લેવા સાથે ઘણા મહત્વપૂર્ણ ટેકનિકલ પરીક્ષણો પણ કર્યા હતા, જે આગામી આર્ટેમિસ III મિશન માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.