Thu Jun 18 2026

Logo

નરોડામાં ગ્રાહક બનીને આવેલી મહિલાઓએ વાતોમાં ભોળવી ₹70 હજારના દાગીના સેરવ્યા; બેની ધરપકડ

2026-03-03 19:33:00
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: શહેરના નરોડા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી ચાર મહિલાઓએ નજર ચૂકવીને દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી હતી. આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના ગત તારીખ 24 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 2:45 થી 3:00 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી.

ફરિયાદની વિગતો મુજબ, નરોડામાં દેવી સિનેમા સામે 'જે.જે. જ્વેલર્સ' નામની દુકાન ધરાવતા જયેશકુમાર જયંતીલાલ સોની તે દિવસે કામ અર્થે બહાર ગયા હતા. તેમની ગેરહાજરીમાં તેમની દીકરી દિશા અને દુકાનનો માણસ કિશન હાજર હતા. આ દરમિયાન અંદાજે 30 વર્ષની વયની ચાર અજાણી સ્ત્રીઓ સાડી પહેરીને દુકાને આવી હતી. આ મહિલાઓએ દાગીના અને ચાંદીની વસ્તુઓ જોવાની વાતોમાં દુકાનદારની દીકરીને વ્યસ્ત રાખી હતી.

ચોરીના કિમિયા અંગે વાત કરતાં ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, આ મહિલાઓએ વારંવાર અલગ-અલગ વસ્તુઓ જોવાની માંગ કરી અને પાણી મંગાવીને સ્ટાફનું ધ્યાન ભટકાવ્યું હતું. જ્યારે દુકાનમાં અન્ય ગ્રાહકો આવ્યા, ત્યારે તકનો લાભ ઉઠાવી આ ચારેય મહિલાઓ નજર ચૂકવીને સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી. મહિલાઓ ગયા બાદ તપાસ કરતા દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.

આ ચોરીમાં કુલ 70,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ છે. જેમાં 50,000 રૂપિયાની કિંમતની 15 નંગ સોનાની ચૂની (વજન આશરે 3.5 ગ્રામ) અને 20,000 રૂપિયાની કિંમતની 2 નંગ સોનાની કાનની કડી (વજન આશરે 1.5 ગ્રામ) નો સમાવેશ થાય છે. હાલ નરોડા પોલીસે હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર બાબુલાલ નિનામાને તપાસ સોંપીને અજાણી મહિલાઓની શોધખોળ હાથ ધરી હતી. પોલીસ ફરિયાદના આધારે સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજના આધારે  એસ.જી. હાઈવે પર થલતેજના પેલેડિયમ મોલ પાસે બ્રિજ નીચે રહેતી કોયલ દેવીપુજક અને ગીતા દેવીપુજક નામની બે મહિલાઓની ધરપકડ કરી હતી.