અમિત ત્રિવેદી
હું એક મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર એજ્યુકેશન પ્રોગ્રામમાં વાત કરી રહ્યો હતો. મેં કહ્યું કે મ્યુચ્યુઅલ ફંડનો એક મોટો ફાયદો એ છે કે તેને પ્રોફેશનલ ફંડ મૅનેજર્સ સંભાળે છે. આ સાંભળીને સભામાંથી એક શ્રોતાભાઈ તરત જ ઊભા થઈ ગયા. તેમણે કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોક્યા હતા અને ખોટ ગઈ હતી.
તેમણે મને પૂછ્યું : જ્યારે પૈસા જ ગુમાવવાના હોય તો આવા પ્રોફેશનલ મેનેજર્સનું શું કામ? પૈસા ડુબાડવા જ હોય તો એ હું જાતે પણ કરી શકું છું એના માટે એક્સપર્ટની શું જરૂર?’ બીજા ઘણા શ્રોતાઓએ પણ તેમની વાતમાં સૂર પુરાવ્યો.
મેં પ્રોફેશનલ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ શ્રોતાઓને એની ખાસ અસર ન થઈ.
આની પાછળ એક ઊંડું મનોવૈજ્ઞાનિક કારણ છે:
1) કંટ્રોલ (નિયંત્રણ) મેળવવાની લાગણી
પોતે જાતે રોકાણ (Do-It-Yourself) કરવાથી માણસને લાગે છે કે બધું તેના કંટ્રોલમાં છે. જ્યારે બીજા કોઈને પૈસા સંભાળવા આપીએ ત્યારે પોતે ખુદના પૈસા પરનો કંટ્રોલ છોડી દીધાનો અહેસાસ થાય છે.
એક જાણીતા અર્થશાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું:
When we feel we are in charge and we understand the consequences, the risks will seem lower than they truly are. When a risk feels out of hands and less comprehensible, it will feel more dangerous than it actually is. અર્થાત, જ્યારે આપણને લાગે કે કંટ્રોલ આપણા હાથમાં છે અને આપણે પરિણામ સમજીએ છીએ ત્યારે આપણને જોખમ ખરેખર છે તેના કરતાં ઓછું લાગે છે, પણ જ્યારે કંટ્રોલ આપણા હાથમાં નથી હોતો ત્યારે સામાન્ય જોખમ પણ વધારે ભયાનક લાગે છે.’
2) એક્સપર્ટ્સ પાસેથી વધારે પડતી અપેક્ષા
લોકોની અપેક્ષાઓ અને એક્સપર્ટ શું કરી શકે તેમ છે એ બન્ને વચ્ચે મોટો તફાવત હોય છે. લોકો ઘણીવાર એક્સપર્ટ્સ પાસે અશક્ય કામની આશા રાખે છે. વાસ્તવમાં, એક્સપર્ટ હોવાનો અર્થ એ છે કે તે એક અણશીખુ કે સામાન્ય માણસ કરતાં ઘણું સારું પ્રદર્શન કરી શકે.
- ઉદાહરણ: વકીલનું જ ઉદાહરણ લો. કોર્ટમાં એક વકીલ કેસ જીતે છે તો બીજો હારે પણ છે, છતાં કાયદાકીય કામમાં આપણે વકીલની જ મદદ લઈએ છીએ. કેમ? કારણ કે વકીલ વગર આપણી હાલત વધુ ખરાબ થઈ શકે છે.
- ઇન્વેસ્ટમેન્ટમાં પણ એવું જ છે. એક એક્સપર્ટ માર્કેટ કરતાં સારું રિટર્ન આપે તેની શક્યતા સામાન્ય માણસ કરતાં ઘણી વધારે હોય છે.
મ્યુચ્યુઅલ ફંડ અને શિસ્ત (Discipline)
ઇન્વેસ્ટમેન્ટના પિતા ગણાતા બેન્જામિન ગ્રેહામે કહ્યું છે: પઇન્વેસ્ટરની સૌથી મોટી સમસ્યા અને તેનો સૌથી મોટો દુશ્મન તે પોતે જ હોય છે.’
આપણે બધા ફેક્ટ્સ (તથ્યો) જોઈને આપણા ફાયદા માટે રોકાણ કરવું જોઈએ, પણ મોટાભાગે લોકો ફૅક્ટ્સ જોયા વગર જ, ઉતાવળમાં ખોટા નિર્ણય લઈ લે છે.
એક સામાન્ય ઇન્વેસ્ટર અને મ્યુચ્યુઅલ ફંડ વચ્ચેનો સૌથી મોટો તફાવત રોકાણની શિસ્ત (Investment Discipline) છે.
- નિયમોનું પાલન: મ્યુચ્યુઅલ ફંડે SEBIના નિયમો મુજબ પોતાનો ગોલ, રોકાણની મર્યાદા અને સ્ટાઇલ અગાઉથી નક્કી કરવી પડે છે અને તેમાંથી તે ભટકી શકતા નથી. ટ્રસ્ટીઓ, સેબી અને કસ્ટોડિયન સતત તેમના પર નજર રાખે છે.
- ખૂબ ઓછા વ્યક્તિગત ઇન્વેસ્ટર્સ હોય છે જે પોતાના માટે આવા સ્પષ્ટ નિયમો કે શિસ્ત નક્કી કરતા હોય.
નિષ્કર્ષ
શિસ્ત વગરનો ઇન્વેસ્ટર હંમેશાં પોતાની લાગણીઓ (ડર અને લાલચ)થી દોરવાઈ જાય છે અને ગેરવાજબી નિર્ણયો લે છે.
એ સમજવું ખૂબ જરૂરી છે કે પોતાના પૈસાનો કંટ્રોલ ફંડ મૅનેજરને આપવો, એ પોતાની અસ્થિર લાગણીઓને કંટ્રોલ આપવા કરતાં હજારો ગણું વધારે સારું છે.