હરિદ્વાર: ઉત્તરાખંડના તીર્થનગરી હરિદ્વારમાં નગર નિગમે માંસ વેચનારા દુકાનદારોને શહેર હદથી બહાર દુકાન ખસેડવાનો આદેશ કર્યો છે. નગર નિગમની એક બેઠક મળી તેમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, હરિદ્વાર શહેરમાં જે પણ માંસની દુકાનો છે તેને શહેરની બહાર ખસેડી દેવામાં આવે! જેના કારણે માંસનો વેપાર કરતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે.
સરાઈ વિસ્તારમાં આશરે 56 નવી દુકાનો બનાવાશે
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ યોજના હેઠળ સરાઈ વિસ્તારમાં આશરે 56 નવી દુકાનો બનાવવામાં આવશે, જ્યાં બધા માંસ વિક્રેતાઓને અન્યત્ર ખસેડવામાં આવશે. હરિદ્વારમાં મોટા ધાર્મિક કાર્યક્રમો, કુંભ મેળો અને કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે તેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે આ વિસ્તારમાં લાંબા સમયથી કારોબાર ચલાવી રહેલા મીટ વ્યાપારીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. તેમનું કહેવું છે કે નવી જગ્યા શહેરથી દૂર છે, ત્યાં સફાઈવ્યવસ્થા ઠીક નથી.
હરિદ્વારમાં કાચા માંસના વેચાણ પર પ્રતિબંધ
મળતી વિગતો પ્રમાણે નગર નિગમ દ્વારા મ્યુનિસિપલ હદમાં કાચા માંસના વેચાણ પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતૂ જૂના નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે અને આ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ પહેલા જ્વાલાપુર વિસ્તારમાં માંચ વેચવા પર પ્રતિબંધ નહોતો પરંતુ હવે આખા શહેરમાં નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે તમામ માંસની દુકાનોને શહેરની બહાર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
એક દુકાનદારનું કહેવું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમ મુજબ માંસની દુકાનો મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા અને સ્મશાનગૃહોથી દૂર હોવી જોઈએ. પરંતુ જે નવી જગ્યા ફાળવવામાં આવી છે તે તો સ્મશાનની એકદમ બાજૂમાં જ છે. આરોપ એવો છે કે, નગર નિગમ પોતે જ જો નિયમોનું પાલન નથી કરી રહ્યું તો અમારી પર કેમ દબાણ કરવામાં આવે છે. આ બાબતે માંસ વેચતા વેપારીઓએ જિલ્લા મેજિસ્ટ્રેટને પણ અરજી કરી છે અને નવી જગ્યા બદલીને વિકલ્પ શોધવાની માંગ કરી છે.