Sat Aug 29 2026

Logo

મુંબઈ, થાણે અને પાલઘરમાં આજથી ચાર દિવસ ગરમી અને ઉકળાટ તાપમાનનો પારો ૪૦ સુધી જવાની શક્યતા

2026-05-05 20:52:22
Author: સપના દેસાઈ
મુંબઈ, થાણે અને પાલઘરમાં આજથી ચાર દિવસ ગરમી અને ઉકળાટ તાપમાનનો પારો ૪૦ સુધી જવાની શક્યતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણે, રાયગડ અને પાલઘરમાં આજથી ચાર દિવસ માટે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમ્યાન ગરમી અને ઉકળાટ વધશે અને તાપમાનનો પારો ૪૦ સુધી પણ જઈ શકે છે એવી ચેતવણી હવામાન વિભાગે આપી છે.રાજ્યમાં વિદર્ભ, મરાઠવાડા સહિત મુંબઈમાં હાલ આકરી ગરમીનો અનુવભ થઈ રહ્યો છે. મુંબઈમાં છેલ્લા થોડા દિવસ ગરમી અને ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૮ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૭.૨ ડિગ્રી તાપમાન અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા તો વાતાવરણમાં ૭૨ ટકા નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઊંચુ હોવાથી મુંબઈગરા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આગામી દિવસમાં પારો હજી ઊંચે જવાનો અને ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે. તો આઠ મે સુધી  મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વીજળીના ચમકારા અને તીવ્ર પવન સાથે હળવો વરસાદ પડવાની પણ શક્યતા છે.હવામાન વિભાગે આજથી શનિવાર સુધી ચાર દિવસ માટે મુંબઈ, થાણે, રાયગડ, પાલઘર, રત્નાગિરી માટે યલો અલર્ટ આપ્યું છે. આ ચાર દિવસ તાપમાન હજી ઊંચુ જઈ શકે છે અને પારો ૪૦ ડિગ્રી સુધી જવાની શકયતા છે. તેથી નાગરિકોને સંભાળીને રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ હાલ મહારાષ્ટ્રના વિદર્ભથી તેલંગણા અને તમિળનાડુ થઈને કોમોરીન સુધીના વિસ્તારમાં આકાશમાં ૦.૯ કિલોમીટરના અંતરે ઉત્તર-દક્ષિણ દિશામાં હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે, તેને કારણે મહારાષ્ટ્રના અમુક જિલ્લામાં ગાજવાજી સાથે વરસાદની શકયતા છે.