ઘાસચારાના ભાવમાં 25 ટકાનો વધારો થયો હોવાનો દાવો કરતાં ઉત્પાદકોએ કહ્યું કે ‘નફા માટે નહીં, અસ્તિત્વ ટકાવવા ભાવવધારો જરૂરી’
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં તબેલાનું તાજું દૂધ પીતા લોકો માટે એક માઠા સમાચાર છે. મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર એસોસિએશને પહેલી સપ્ટેમ્બર 2026થી તબેલામાં મળતા તાજા દૂધના હોલસેલ ભાવમાં 9 રૂપિયાનો વધારોકરવાનું એલાન કર્યું છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે પશુપાલનનો ખર્ચ સતત વધી રહ્યો છે અને હાલના ભાવમાં દૂધ વેચીને વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. ખાસ કરીને ઘાસચારાના ભાવમાં આશરે 25 ટકાનો વધારો થતાં દૂધ ઉત્પાદકો પર મોટો ખર્ચનો બોજ આવ્યો છે.
મુંબઈ મિલ્ક પ્રોડ્યુસર એસોસિએશન, આરે મિલ્ક કોલોનીના ચંદ્રકુમાર સિંહે જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક સમયથી દૂધના ઉત્પાદન સાથે જોડાયેલા લગભગ તમામ ખર્ચ વધી ગયા છે. ઘાસચારાનો ભાવ લગભગ 25 ટકા વધી ગયો છે. પશુઓને ખવડાવવા માટે જરૂરી સામગ્રીના ભાવમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં દૂધના ભાવમાં વધારો કરવો અમારી મજબૂરી છે. આ વધારો નફો કમાવવા માટે નથી, પરંતુ અમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે છે.”
મુંબઈમાં દરરોજ આશરે 45 લાખ લિટર દૂધની જરૂરિયાત સામે સ્થાનિક તબેલાઓ અને દૂધ ઉત્પાદકો દ્વારા આશરે 4 લાખ લિટર જેટલું એ-ક્વોલિટીનું તાજું દૂધ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એસોસિએશનના જણાવ્યા અનુસાર તબેલાના દૂધના ભાવ હાલમાં પ્રતિ લિટર આશરે રૂ. 93 સુધી છે અને 1 સપ્ટેમ્બરથી તેમાં વધારો કરી તેનો ભાવ રૂ. 102 કરાશે. બીજી તરફ પેકેટમાં મળતા બ્રાન્ડેડ દૂધ પર આ ભાવવધારાની સીધી અસર નહીં થાય.
દૂધ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં આશરે 1,500 દૂધ વેચનાર અને ડેરી માલિકો તાજા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે. વધતા ખર્ચ વચ્ચે આ વેપારીઓ અને પશુપાલકો માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.
ચંદ્રકુમાર સિંહે કહ્યું, “અમે આ લડાઈમાંથી બહાર આવીશું અને આ વ્યવસાય ચાલુ રાખીશું. અમારો હેતુ માત્ર નફો કરવાનો નથી. પશુઓને સારી રીતે રાખવા, તેમને યોગ્ય ઘાસચારો આપવા અને દૂધ ઉત્પાદન ચાલુ રાખવા માટે જે ખર્ચ થાય છે તે કાઢવો જરૂરી છે.”
દૂધ ઉત્પાદકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં મુંબઈના સ્થાનિક દૂધ ઉત્પાદનના આંકડામાં મોટો ફેરફાર થયો છે. 1975માં મુંબઈમાં આશરે 1 લાખ ભેંસો હતી અને તેમાંથી દરરોજ લગભગ 7.5 લાખ લિટર દૂધનું ઉત્પાદન થતું હતું.
તે સમયે મુંબઈમાં સરેરાશ 11 લાખ લિટર જેટલા દૂધની રોજિંદી માંગ હતી. તેની સામે 2026માં ભેંસોની સંખ્યા ઘટીને આશરે 40 હજાર થઈ ગઈ છે અને તેઓની ઉત્પાદનક્ષમતા પણ ઘટી ને સરેરાશ 4.5 લાખ લિટર દૂધની થઇ ગઈ છે, જયારે હાલ મુંબઈમાં દૈનિક સરેરાશ 45 લાખ લીટર દૂધની માંગ છે.
આ તરફ મુંબઈની દૂધની માંગમાં સતત વધારો થયો છે. 2026માં શહેરમાં દરરોજ આશરે 45 લાખ લિટર દૂધની માંગ છે. એટલે કે એક તરફ માંગ અનેક ગણી વધી છે, જ્યારે બીજી તરફ સ્થાનિક તબેલાઓમાં ભેંસોની સંખ્યા અને પ્રતિ ભેંસ દૂધનું ઉત્પાદન બંને ઘટ્યાં છે. દૂધ ઉત્પાદકોનું કહેવું છે કે આ તફાવતને કારણે સ્થાનિક તાજા દૂધના વ્યવસાય પર વધુ દબાણ ઊભું થયું છે.
ભાવવધારાની સૌથી મોટી અસર આગામી ગણેશોત્સવ દરમિયાન જોવા મળી શકે છે. ગણેશોત્સવ દરમિયાન દૂધ અને દૂધની બનાવટોની માંગમાં વધારો થાય છે. ખાસ કરીને મીઠાઈ, પ્રસાદ, ચા અને અન્ય દૂધ આધારિત વસ્તુઓ માટે તાજા દૂધની માંગ વધે છે. પહેલી સપ્ટેમ્બરથી ભાવવધારો અમલમાં આવવાનો હોવાથી તહેવારની ખરીદી દરમિયાન ગ્રાહકોને વધુ કિંમત ચૂકવવી પડી શકે છે.
ચંદ્રકુમાર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે ભાવ વધવાથી ગ્રાહકો પર પણ બોજ પડશે. પરંતુ ઉત્પાદક માટે પણ પરિસ્થિતિ સરળ નથી. ઘાસચારો મોંઘો થયો છે, પશુઓના જતનનો ખર્ચ વધ્યો છે અને દૂધ ઉત્પાદનનો સમગ્ર ખર્ચ વધી ગયો છે. તેથી આ નિર્ણય અમારા માટે પણ સરળ નથી. છતાં દૂધ ઉત્પાદકોને ટકાવી રાખવા માટે આ પગલું લેવું જરૂરી બન્યું છે.”