મુંબઈ: સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)એ રાજ્યની સ્લમ ક્લસ્ટર રિડેવલપમેન્ટ યોજના હેઠળ મુંબઈના ત્રણ મુખ્ય સ્લમ અંધેરી પૂર્વમાં મજાસવાડી, બાંદ્રા પૂર્વમાં બહેરામપાડા અને વડાલા ટ્રક ટર્મિનલના નવીનીકરણ માટે મહારાષ્ટ્ર સરકારને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે.
એસઆરએના જનસંપર્ક અધિકારી મનોજ મ્હસ્કેના જણાવ્યા અનુસાર આ દરખાસ્ત પર હવે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી ઉચ્ચસમિતિ દ્વારા વિચારણા કરવામાં આવશે. જોકે, પુનઃવિકાસ થનાર કુલ વિસ્તાર અને અસરગ્રસ્ત ઝૂંપડાઓની સંખ્યા હજુ સુધી નક્કી કરવામાં આવી નથી.
એસઆરએના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રાજારામ પાટીલે જણાવ્યું હતું કે, દરખાસ્ત રાજ્ય સરકારને સુપરત કરવામાં આવી છે, પરંતુ પ્રોજેક્ટ વિસ્તારોની સીમા નક્કી કરવાનું કામ હજુ બાકી છે.
નવેમ્બર 2025માં શરૂ કરાયેલ, ઝૂંપડપટ્ટી ક્લસ્ટર પુનર્વિકાસ યોજનાનો હેતુ ઓછામાં ઓછા 50 એકરમાં ફેલાયેલા મોટા, સંલગ્ન ઝૂંપડપટ્ટી વિસ્તારોના આયોજિત પુનર્વિકાસને સરળ બનાવવાનો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણેય પ્રોજેક્ટનો કુલ વિસ્તાર 150 એકરથી વધુ થવાની સંભાવના છે. એસઆરએ નોડલ પ્લાનિંગ ઓથોરિટી તરીકે સેવા આપે છે, જયારે પ્રોજેક્ટ મંજૂરીઓ વધારાના મુખ્ય સચિવ (આવાસ) ના નેતૃત્વ હેઠળની ઉચ્ચસમિતિ દ્વારા આપવામાં આવે છે.
એસઆરએએ તાજેતરમાં જ 101 એકરના જુહુ લેન-ગિલ્બર્ટ હિલ સ્લમ ક્લસ્ટર રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની રિયલ એસ્ટેટ શાખા, રિલાયન્સ 4IR રિયલ્ટી ડેવલપમેન્ટ લિમિટેડના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમને સોંપ્યો છે. આ પ્રોજેક્ટના પરિણામે પાત્ર ઝૂંપડપટ્ટીવાસીઓ માટે 28,000થી વધુ પુનર્વસન ઘરોનું નિર્માણ થવાની અપેક્ષા છે.