મુંબઈઃ કહેવાય છે કે, શિખવા માટેની કોઈ ઉંમર નથી હોતી, બસ તૈયારી, કમિટમેન્ટ અને સ્વીકૃતિ-સમજૂતી જોઈએ. ભાષા શિખવા માટે પોથી પંડિત બનવાની કોઈ જરૂર નથી. માત્ર ધગશ અને થોડી અમથી નિરિક્ષણ કળા હોય તો દુનિયાની કોઈ ભાષા અઘરી નથી. આ વાત યર્થાથ કરીને બતાવી છે જયનારાયણ જોશીએ. 'મુંબઈ સમાચાર' આયોજિત ભાગવત સપ્તાહમાં પધારેલા પુણેના જયનારાયણ જોશીએ ગુજરાતી ભાષા 'મુંબઈ સમાચાર' અખબારના માધ્યમથી શીખ્યા હતા અને આ વાતની સ્વીકૃતિ પણ 'મુંબઈ સમાચાર' ટીમ સાથે કરી હતી.
ગુજરાતી ભાષા વિશે શું કહ્યું
મૂળ પુણેના રહેવાસી જયનારાયણભાઈને હિન્દી અને મરાઠી ભાષા આવડે એ તો સમજી શકાય. પણ મજાની વાત એ છે કે, તે ફાંકડું ગુજરાતી બોલી શકે છે. જયનારાયણભાઈએ કહ્યું કે, જ્યારે જ્યારે હું મુંબઈ આવતો ત્યારે મારા સંબંધીને ત્યાં 'મુંબઈ સમાચાર' દૈનિક આવતું હતું. હવે ત્યાં હિન્દી કે મરાઠી અખબાર મળતું નહોતું એટલે ગુજરાતી વાંચવાનો પ્રયાસ કરતો. ધીમે ધીમે વાંચતો ગયો અને શબ્દોને સમજતો ગયો તો ગુજરાતીમાં થોડી ફાવટ આવી ગઈ. હવે આજે પરિણામ એ આવ્યું છે કે, ગુજરાતી વાંચી શકું છું, બોલી શકું છું અને ગુજરાતી ભાષાને માધ્યમ બનાવી તો ઉત્તમ કામ મારૂ થઈ જાય છે. 'મુંબઈ સમાચાર' વાંચતા વાંચતા મને ગુજરાતી ભાષા આવડી ગઈ અને એનો મને ખૂબ ખૂબ આનંદ છે.
માતૃભાષા ભાગવત સપ્તાહ અંગે શું કહ્યું?
મુંબઈના બોરીવલીમાં માતૃભાષા ભાગવત સપ્તાહ જે ચાલી રહી છે એ ઉત્તમ કાર્ય છે. અહીંયા આવીને મને ખૂબ જ ગમ્યું અને શ્રેષ્ઠ લાગ્યું. ભાઈશ્રીના મુખેથી મને જે કથાનું રસપાન થયું એ તો અમૃત સમાન છે. આને હું વચનામૃત કહીશ. ભાઈશ્રીએ પાંચમા દિવસે ત્યાગનું મહત્ત્વ સમજાવ્યુ હતું, કુદરતી નિયમ છે તમે જે આપો છો એ જ સાથે આવે છે જેનો સંગ્રહ કરો છો એ ભરાઈને રહી જાય છે. માતૃભાષા એટલે આપણી માતાની ભાષા, આપણા જ દેશની ભાષા. વાંચન પર ભાર મૂકતા ભાઈશ્રીએ કહ્યું હતું કે, દરેક ઘરમાં નાનકડી લાઇબ્રેરી હોવી જોઈએ.