સાકીનાકામાં ટ્રેજેડી: ખુલ્લા મેનહૉલમાં પડતાં એકનું મોત
આસિસ્ટન્ટ કમિશનર સહિત ચાર અધિકારી સસ્પેન્ડ, કૉન્ટ્રેક્ટર બ્લેક લિસ્ટ:
ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની સ્થાપના, સાત દિવસમાં અહેવાલ આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ચોમાસું હજી તો માંડ શરૂ થયું છે ત્યાં ઉપરાઉપરી દુર્ઘટનામાં અત્યાર સુધી બેનાં મોત થઈ ચૂક્યા છે. બુધવારે ૧૧ વર્ષના વિદ્યાર્થીનું ઝાડ પડી જવાથી થયેલા મૃત્યુના બીજા દિવસે સાકીનાકામાં ખૈરાણી રોડ પર ખુલ્લી ગટરમાં પડી જવાથી પંચાવન વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. કૉન્ટ્રેક્ટરની બેદરકારીને લીધે સાકીનાકાના રહેવાસીના મૃત્યુ બાદ મુંબઈના નાગરિકોની સુરક્ષા લઈને પાલિકા પ્રશાસન સામે સવાલ થઈ રહ્યા છે. ગુરુવારની ઘટના બાદ પાલિકા પ્રશાસને આસિસ્ટન્ટ કમિશનર સહિત ચારને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કર્યા હતા. એ સાથે જ કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યો છે.
ગુરુુવારે સાકીનાકાના ખૈરાણી રોડ પર વરસાદી પાણીનો નિકાલ કરનારા મેનહોલ પર જાળી બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે સવારના ૧૦ વાગ્યાની આસપાસ ફોન પર વાત કરતા કરતા ચાલી રહેલો પંચાવન વર્ષનો અસ્લમ ઈસામ શેખ ખુલ્લા મેનહોલમાં પડી ગયો હતો. ખૈરાણી માર્ગ પર ખાનગી કૉન્ટ્રેક્ટર તરફથી મેનહોલ પર બેસાડવામાં આવતી જાળીનું દેખરેખનું કામ શરૂ હતું ત્યારે મેનહોલનું ઢાંકણું ખૂલ્લું કરવામાં આવ્યું હતું. તે સ્થળે બૅરીકેડ્સ પણ લગાડવામાં આવ્યા નહોતો. તેથી સાકીનાકાના યાદવ નગરમાં રહેતા અસલમ શેખને ખુલ્લા મેનહોલનો અંદાજ આવ્યો નહોતો અને તે સંતુલન ગુમાવી બેસતા મેનહોલમાં પડી ગયો હતો.
ઘટનાની જાણ થતા પાલિકાના અધિકારી, કર્મચારી, ફાયર બ્રિગેડે, પોલીસ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેને બચાવી લેવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગટરમાં અંદર ઝેરી ગૅસ હોવાની શકયતાને પગલે બચાવ કામગીરી દરમ્યાન ફાયર બ્રિગેડ ગટરમાંથી વાયુ કાઢવા માટે એક્ઝોસ્ટ બ્લોઅરનો ઉપયોગ કર્યો હતો. એ બાદ ફાયર બ્રિગેડના જવાનો બ્રીધિંગ ઍપરેટ્સ પહેરીને ગટરમાં ઉતર્યા હતા. શોધ દરમ્યાન તેની છત્રી અને ચપ્પલ મળી આવ્યા હતા પણ પાણીનો વેગ ઝડપી હોવાથી તે પાણી સાથે વહી ગયો હોવાનું જણાઈ આવ્યું હતું. લગભગ ચાર કલાકના અથાગ પ્રયાસ બાદ ફાયરબિગ્રેડે રેસ્ક્યુ વૅન, ટ્રાયપૉડ અને દોરીની સીડીની મદદથી અસ્લમ શેખને બહાર કાઢવામાં આવ્યો હતો. તેનું મૃત્યુ થયું જણાઈ આવતા તેના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
મેનહોલમાં પડી જવાથી અસલમ શેખના મૃત્યુ માટે પાલિકાના સત્તાધારીની સાથે જ વિરોધપક્ષે પ્રશાસનને આડે હાથ લીધા હતા. ડેપ્યુટી મેયર સંજય ઘાડીએ દોષી સામે આકરા પગલા લેવાની માગણીની સાથે જ પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેના રાજીનામાની પણ માગણી કરી હતી. પાલિકા પ્રશાસને આ પ્રકરણમાં મોટી કાર્યવાહી કરી છે, જેમાં ‘એલ’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર ધનાજી હર્લેકર સહિત ચાર અધિકારીઓને તપાસ થાય નહીં ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમ જ સંબંધિત કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. તેમ જ પૂરા પ્રકરણની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની સ્થાપના કરીને સાત દિવસમાં અહેવાલ આપવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ અગાઉ ૨૦૧૭ માં ભારે વરસાદ દરમિયાન ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. દીપક અમરાપુરકરના ખુલ્લા મેનહોલમાં તણાઈ જવાથી મૃત્યુ થયા પછી ખુલ્લા મેનહોલને કારણે નિર્માણ થનારા જોખમો પર ખાસ ધ્યાન આપવાનો વખતોવખત હાઈ કોર્ટે પાલિકાને આદેશ પણ આપ્યો હતો.