સ્પેશિયલ ઉપકરણો અને કોડિંગનો કર્યો ઉપયોગ: રાજકોટમાં પકડાયેલા આરોપીએ કાર છેક નવસારી નજીક સંતાડી હતી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ટેક્નોલૉજીમાં માહેર ગુજરાતના બે યુવાને સ્પેશિયલ ઉપકરણો અને કોડિંગનો ઉપયોગ કર્યા બાદ ચાવીનું સિગ્નલ ક્લોન કરીને મુંબઈના ખાર વિસ્તારમાંથી 45 લાખ રૂપિયાની કાર ચોરી હતી. રાજકોટ શહેરમાંથી પકડાયેલા બન્ને આરોપીએ ચોરીની કાર છેક 300 કિલોમીટર દૂર નવસારી નજીકના બિલિમોરા ખાતે સંતાડી રાખી હતી.
ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ દીપ રમણીકભાઈ આઘેર (28) અને રાહુલ ભરતભાઈ ઘિયાલ (29) તરીકે થઈ હતી. રાજકોટના પુનીતનગરમાં રહેતા દીપ વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં પાંચ ગુના નોંધાયેલા છે, જ્યારે રાજકોટના જ કાલાવાડ રોડ ખાતે રહેતા રાહુલ સારઠાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં ફરાર આરોપી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ખાર પશ્ર્ચિમમાં એસ. વી. રોડ પર આવેલા ટોયોટા શો-રૂમના ડિલિવરી ઇન્ચાર્જે આ પ્રકરણે પચીસ જૂને ફરિયાદ નોંધાવી હતી. ટેસ્ટ ડ્રાઈવ માટે ઉપયોગમાં લેવાતી અંદાજે 45 લાખ રૂપિયાની ફોર્ચ્યુનર 24 જૂનની રાતે આઠ વાગ્યાની આસપાસ શો-રૂમ નજીક રસ્તા પર પાર્ક કરવામાં આવી હતી. બીજી સવારે ફરિયાદી ટેસ્ટ ડ્રાઈવ માટે ગ્રાહકને લઈ ગયો ત્યારે કાર ગુમ હોવાનું જણાયું હતું. આસપાસના પરિસરમાં શોધખોળ કરવા છતાં કાર ન મળતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી.
પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. કાર દહિસર ટોલ નાકાથી ગુજરાત તરફ ગઈ હોવાનું ફૂટેજમાં દેખાયું હતું. આરોપીએ કારની નંબર પ્લૅટ બદલી નાખી હતી, પણ અમુક નિશાનીઓ પરથી કારને શોધમાં આવી રહી હતી. ટેક્નિલ બાબતોનો અભ્યાસ કરતાં કાર ચોરનારા રાજકોટમાં હોવાનું જાણવા મળ્યું હતું.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી છટકું ગોઠવી પોલીસે બન્ને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પૂછપરછ પછી બિલિમોરાના ચિખલી ખાતેથી કાર તાબામાં લેવાઈ હતી. રાજકોટ કોર્ટમાંથી બે દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર મુંબઈ લવાયેલા બન્ને આરોપીને બાન્દ્રા કોર્ટે પાંચમી જુલાઈ સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ટેક્નોલૉજીમાં માહેર આરોપીએ સ્પેશિયલ ઉપકરણો અને કોડિંગનો ઉપયોગ કરીને કારની સિક્યોરિટી સિસ્ટમ હૅક કરી હતી. પછી સિક્યોરિટી ફીચર્સ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.