હાઈ કોર્ટના આદેશ આદેશની ઐસીતૈસી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં પહેલા જ ભારે વરસાદ દરમ્યાન મેયર રિતુ તાવડે માટુંગામાં ગાંધી માર્કેટમાં નિરીક્ષણ માટે નીકળ્યા હતા એ દરમ્યાન પાલિકાના અધિકારી મેનહોલમાં પડી ગયા હોવાની ઘટના હજી તાજી છે ત્યાં ગુરુવારે મુંબઈમાં સાકીનાકા વિસ્તારમાં ગુરુવારે ખુલ્લા મેનહોલમાં પડી જવાથી પંચાવન વર્ષના અસ્લમ શેખનું મૃત્યુ થયું હતું. ખુલ્લા મેનહોલને મુદ્દે સ્થાનિક નાગરિકો સાથે જ હાઈ કોર્ટે પણ વારંવાર ખુલ્લા મેનહોલને ‘મૃત્યુના જાળ’ કહીને પાલિકા પ્રશાસનને ઠપકો આપી ચૂકી છે, છતાં પાલિકા પ્રશાસનની બેદરકારીને કારણે ગુરુવારે સાકી નાકા વિસ્તારમાં ખુલ્લા મેનહોલમાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું.
ગયા અઠવાડિયામાં માટુંગામાં ગાંધી માર્કેટમાં પાણી ભરાયેલા વિસ્તારોના નિરીક્ષણ દરમ્યાન મેયર રિતુ તાવડે સાથે આવેલા પાલિકાના એક અધિકારી વરસાદી પાણી નીચે ખુલ્લા મેનહોલમાં પડી ગયા હતા અને તેમને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ આ ઘટનાએ પાલિકાની ચોમાસાની તૈયારી સામે જ સવાલ ઊભા કરી દીધા હતા. ચોમાસા દરમ્યાન વરસાદી પાણીને કારણે અનેક વખત રસ્તાઓ પરના ખુલ્લા મેનહોલ જોઈ શકાતા નથી અને તે રાહદારીઓની સાથે જ વાહનચાલકો માટે ગંભીર જોખમ બની જાય છે.
આ મુદ્દો વારંવાર બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ આવ્યો છે. ૨૦૨૨માં એક અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે ખુલ્લા મેનહોલને ‘ડેથ ટ્રેપ’ તરીકે વર્ણવ્યા હતા અને ચેતવણી આપી હતી કે જો કોઈ મેનહોલમાં પડી જવાથી મૃત્યુ પામે તો નાગરિક અધિકારીઓને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી શકાય છે. હાઈ કોર્ટે પાલિકાને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ કહ્યું હતું, જેમાં રક્ષણાત્મક ગ્રીલ અને ગુમ થયેલ અથવા ચેડા થયેલા મેનહોલ કવર તાત્કાલિક શોધવા માટેની ટેકનોલોજી વગેરેનો સમાવેશ થાય છે.
પાલિકાએ એ દરમ્યાન કોર્ટમાં એવો જવાબ પણ આપ્યો હતો કે તેઓ મેનહોલમાં રક્ષણાત્મક જાળી બેસાડી રહ્યા છે. કોર્ટે પાછળથી સવાલ પણ કર્યો હતો કે શહેરના માત્ર થોડા મેનહોલમાં જ કેમ રક્ષણાત્મક ગ્રીલ ફીટ કરવામાં આવ્યા છે? ત્યાર બાદ કોર્ટના નિર્દેશને અનુસરીને પાલિકાએ કહ્યું હતું કે તેણે છેલ્લા એક વર્ષમાં લગભગ ૯૯ ટકા મેનહોલને રક્ષણાત્મક ગ્રીલથી આવરી લીધા છે.
પાલિકાએ આપેલી માહિતી અનુસાર મુંબઈમાં એક લાખથી વધુ મેનહોલ કવર છે, જેમાં ગટર લાઈનો પર ૭૪,૬૮૨ અને વરસાદી પાણીના ગટર પર ૨૫,૦૦૦ થી વધુ કવરનો સમાવેશ થાય છે. પાલિકાના રેકોર્ડ દર્શાવે છે કે ૨૦૨૩ માં ૭૯૧ મેનહોલ કવર ચોરાઈ ગયા હતા, જ્યારે જાન્યુઆરી અને જૂન ૨૦૨૪ દરમિયાન ૨૨૦ ચોરીના બનાવો નોંધાયા હતા.
૨૦૧૭ માં ભારે વરસાદ દરમિયાન ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડો. દીપક અમરાપુરકરના ખુલ્લા મેનહોલમાં તણાઈ જવાથી મૃત્યુ થયા પછી ખુલ્લા મેનહોલથી ઉદ્ભવતા જોખમો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે હાઇકોર્ટે શહેરમાં ખુલ્લી ગટર અને મેનહોલની આસપાસ સલામતીના પગલાં સુધારવા માટે શ્રેણી બદ્ધ નિર્દેશો આપ્યા હતા.
કમિશનરના આદેશની અવગણના ?
સાકીનાકીની દુર્ઘટના બાદ ‘એલ’વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, ત્યારે પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ૧૮ મેના પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ તમામ આસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિત તમામ સંબંધિત ઉચ્ચ અધિકારીઓ સાથે ચોમાસા પહેલાની તૈયારીરૂપે એક મહત્ત્વની બેઠક કરી હતી, જેમાં તેમણે તમામ આસિસ્ટન્ટ કમિશનરોને તેમના વિસ્તારમાં આવેલા મેનહોલ પર જાળી બેસાડી દેવાની અને તમામ મેનહોલ તપાસીને જાળી બેસાડી છે કે નહીં તેની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ચોખ્ખા શબ્દોમાં નિર્દેશ હોવા છતાં સંબંધિતો તેનો અમલ કર્યો નહોવાનું પ્રાથમિક સ્તરે જણાઈ આવ્યું છે.