Mon Aug 31 2026

Logo

શાહરુખ ખાને અમેરિકામાં બનાવેલા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટનમાં ક્યો પાકિસ્તાની ક્રિકેટર હાજર રહેતાં વિવાદ?

2026-07-03 11:00:00
Author: Devayat Khatana
શાહરુખ ખાને અમેરિકામાં બનાવેલા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટનમાં ક્યો પાકિસ્તાની ક્રિકેટર હાજર રહેતાં વિવાદ?

Image Credit : NDTV Sports


લોસ એન્જલસ: બોલિવૂડ સુપરસ્ટાર અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સહ-માલિક શાહરુખ ખાનનું એક લાંબા સમયનું સપનું આખરે સાકાર થયું છે. તેમણે અમેરિકાના લોસ એન્જલસમાં 'નાઈટ રાઈડર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ'નું ભવ્ય ઉદઘાટન કર્યું છે. આ ખાસ પ્રસંગે શાહરુખ ખાને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ શેર કરીને તેને ક્રિકેટ ચાહકો માટે એક મોટી ભેટ ગણાવી હતી. આ સ્ટેડિયમ માત્ર રમતગમત માટે જ નહીં, પરંતુ મનોરંજન અને પરિવાર માટેનું એક કેન્દ્ર બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

જોકે, આ ભવ્ય ઉદઘાટન બાદ એક નવો વિવાદ પણ વકર્યો છે. કાર્યક્રમ દરમિયાન શાહરુખ ખાને શેર કરેલા વીડિયોમાં અમેરિકન ટીમ તરફથી રમતા ક્રિકેટર અલી ખાન જોવા મળ્યા હતા. અલી ખાનનો જન્મ પાકિસ્તાનમાં થયો હોવાને કારણે સોશિયલ મીડિયા પર તેમને લઈને ચર્ચાઓ અને વિવાદ શરૂ થયો છે. કેટલાક લોકોએ આ મુદ્દાને લઈને પ્રશ્નો ઉઠાવ્યા છે, જેના કારણે સ્ટેડિયમની ખુશીઓ વચ્ચે પાકિસ્તાની મૂળના ખેલાડીની હાજરી ચર્ચાનો વિષય બની ગઈ છે.

અલી ખાન વિશે વાત કરીએ તો, તેઓ ભલે પાકિસ્તાનમાં જન્મેલા હોય, પરંતુ હાલમાં તેઓ મેજર લીગ ક્રિકેટ (MLC) માં 'એલએ નાઈટ રાઈડર્સ' ટીમનો મહત્વનો હિસ્સો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે યુનાઈટેડ સ્ટેટ્સ (USA) ની ટીમનું પ્રતિનિધિત્વ કરે છે. તેમ છતાં, તેમની હાજરીને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ મંતવ્યો વ્યક્ત થઈ રહ્યા છે, જેણે આ પ્રોજેક્ટના ઉદઘાટન કાર્યક્રમને નવો વળાંક આપ્યો છે.

આ વિવાદો વચ્ચે, આ નવું ક્રિકેટ ગ્રાઉન્ડ 'એલએ નાઈટ રાઈડર્સ'નું અધિકૃત હોમ ગ્રાઉન્ડ બનશે, જે અમેરિકામાં ક્રિકેટને નવી ઓળખ અપાવવામાં મોટી ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ માટે શાહરુખ ખાને ICC ચેરમેન જય શાહ અને સંજોગ ગુપ્તાનો પણ વિશેષ આભાર માન્યો છે. આ સ્ટેડિયમ 2028ના ઓલિમ્પિક પહેલા મેજર લીગ ક્રિકેટની મહત્વની મેચોનું આયોજન કરવા માટે તૈયાર છે, જે અમેરિકામાં ક્રિકેટના વધતા પ્રભાવનું પ્રતીક માનવામાં આવે છે.