જામનગર: જિલ્લાના જામજોધપુરમાં મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં સવા છ ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. મુશળધાર વરસાદને પગલે સમગ્ર તાલુકા મથક પાણી-પાણી થઈ ગયું હતું અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ ભારે વરસાદની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે. શહેરના મુખ્ય બજાર વચ્ચેથી પાણીનો ભારે પ્રવાહ પસાર થઈ રહ્યો હતો. આ ઘસમસતા પાણીના પ્રવાહમાં એક છકડો રિક્ષા કોઈ પણ ડ્રાઈવર વગર સડસડાટ તણાઈને આગળ વધી રહી હતી.
આ દ્રશ્યો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પાણીના આટલા મોટા વેગમાં રિક્ષા પોતાની મેળે રસ્તા પર આગળ વધી રહી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોવાથી તંત્ર દ્વારા પણ સતર્કતા રાખવામાં આવી રહી છે.
જામનગરના જામજોધપુરમાં ૪ કલાકમાં સવા ૬ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન બજારમાં પાણીના પ્રવાહમાં ડ્રાઇવર વગર દોડતી છકડો રિક્ષાનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. જુઓ આ દ્રશ્યો વીડિયોમાં. #Jamjodhpur #Jamnagar #HeavyRain #ViralVideo #GujaratNews #Monsoon2026… pic.twitter.com/ac6CRc1zRU
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 3, 2026
24 કલાકમાં ગુજરાતના 172 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે, 12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.