Sat Aug 29 2026

Logo

ગાંધીધામ સંકુલ અને અંજારમાં મેઘરાજાનું આગમન: અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી

2026-07-03 11:14:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામ સંકુલ અને અંજારમાં મેઘરાજાનું આગમન: અસહ્ય ઉકળાટ બાદ ઠંડક પ્રસરી

ભુજઃ અસહ્ય ઉકળાટ અને ભારે ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતાં ગાંધીધામ સંકુલ, અંજાર અને સીમાવર્તી રાપર તાલુકાના આડેસરમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે  મેઘરાજાનું આગમન થયું છે. વરસાદના પગલે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. જો કે, ગાંધીધામ સંકુલમાં પ્રથમ સામાન્ય વરસાદમાં જ નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. 

આદિપુરમાં અને ત્યારબાદ ગાંધીધામના મુખ્ય બજાર, ભારતનગર, જૂની કોર્ટ રોડ અને શિવાજી પાર્ક સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ પ્રથમ વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નાળાઓ પાણીના નિકાલમાં નિષ્ફળ સાબિત થતાં આંતરિક માર્ગો અને લોકોના ઘર આંગણે પાણી ભરાઈ ગયા હતા. તદુપરાંત, પીજીવીસીએલ અને જીયુડીસી દ્વારા કરાયેલા અધૂરા ખોદકામના લીધે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિક રહીશો તંત્રના એન્જિનિયરિંગ વિભાગની બેદરકારી સામે આક્રોશ ઠાલવી મ્યુનિસિપલ કમિશનર જવાબદારો સામે કડક પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.

બીજી તરફ, અંજાર શહેર અને તાલુકામાં પણ વાતાવરણ પલટાયું હતું અને  જોરદાર ઝાપટાંથી માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં સારા પાકની આશા જાગી છે. આ ઉપરાંત વાગડ પંથકના આડેસરમાં પણ વરસાદી માહોલ વચ્ચે અમીછાંટણા થતાં લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે.

(ઉત્સવ વૈદ્ય)