Fri Jul 03 2026

Logo

ગુજરાતમાં કયા બે ડેમમાં પુરના કારણે હાઈ એલર્ટ જાહેર, સરદાર સરોવર ડેમની શું છે સ્થિતિ?

2026-07-03 12:49:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. વરસાદના કારણે ગુજરાતમાં બે ડેમ હાઈ એલર્ટ જાહેર કરાયા છે. જ્યારે સરદાર સરોવર ડેમ 63.94 ટકા ભરાયેલા છે.

કયા બે ડેમમાં પુરના કારણે હાઈ એલર્ટ 

રાજ્યમા 206 ડેમમાંથી 2 ડેમ હાઈ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. રાજ્યનો એક પણ ડેમ 100 ટકા ભરાયેલો નથી. 9 ડેમ 70 થી 100 ટકા ભરાયેલા છે. જ્યારે 20 ડેમ 50 થી 70 ટકા, 58 ડેમ 25 થી 50 ટકા અને 119 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. 

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલા ધોળીધજા અને મહિસાગરના બાલાસિનોરમાં આવેલા વણાંકબોરી ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ બંને ડેમ અનુક્રમ 94.11 ટકા અને 91.45 ટકા ભરાયેલા છે. જ્યારે ઉપલેટાનો વેણુ-2. ચુડાનો વાંસલ, ઉમરાળાનો રંઘોળા, કુતિયાણાનો સારણ, જેતપુર પાવીનો સુખી, મુન્દ્રાનો કાળાઘોઘા અને માણાવદરનો બાંટવા-ખારો ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમની શું છે સ્થિતિ
સરદાર સરોવર ડેમ તેની કૂલ સંગ્રહ ક્ષમતાનો 63.94 ટકા ભરાયો છે.  રાજ્યના અન્ય 206 જળાશયો તેમની કૂલ સંગ્રહ ક્ષમતાના 36 ટકા ભરાયેલા છે.

ગુજરાતમાં બે કલાકમાં 63 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 10 થી 12ના સમયગાળા દરમિયાન રાજ્યમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ડાંગના વઘાઈમાં સૌથી વધુ 5.63 ઇંચ વરસાદ પડ્યો હતો. વાંસદામાં 5 ઇંચ, અંબિકામાં 4.65 ઇંચ, ડોલવણમાં 2.76 ઇંચ, વાલોદમાં 2.05 ઇંચ, સુબીરમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો.