ટૉરન્ટો: ફિફા વર્લ્ડ કપમાં શુક્રવારે સવારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને ગૉન્સાલો રામોસના એક-એક ગોલની મદદથી પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ક્રોએશિયાના ખેલાડી વાસીજના એક ફાઉલને કારણે પોર્ટુગલ (Portugal)ને પેનલ્ટી કિક મળી હતી અને રોનાલ્ડો (Ronaldo)એ એમાં આસાનીથી બૉલને નેટમાં મોકલી દીધો હતો.
લિયોનેલ મેસીની જેમાં રોનાલ્ડો સૌથી વધુ છ વર્લ્ડ કપમાં રમ્યો છે, પરંતુ 96 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી જ વખત તેણે નૉકઆઉટ રાઉન્ડમાં ગોલ કર્યો છે. અગાઉ તેના તમામ ગોલ પાંચ વર્લ્ડ કપના લીગ રાઉન્ડની મૅચોમાં હતા.
રોનાલ્ડોએ 68મી મિનિટમાં પેનલ્ટી કિકથી અને રામોસે 94મી મિનિટમાં હોલ કર્યો હતો. એ પહેલાં, ઇવાન પેરિસિચે 53મી મિનિટના ગોલથી ક્રોએશિયાને 1-0થી સરસાઈ અપાવી હતી, પરંતુ પછીથી પોર્ટુગલે જબરદસ્ત કમબૅકમાં સંપૂર્ણ વર્ચસ્વ જમાવીને 2-1થી વિજય મેળવ્યો હતો. ફર્સ્ટ હાફમાં પણ પોર્ટુગલના ખેલાડીઓએ પ્રભુત્વ જમાવ્યું હતું, પણ તેમને એકેય ગોલ નહોતો કરવા મળ્યો. ક્રોએશિયા (Croatia)એ 103મી મિનિટમાં ગોલ કર્યો હતો. જોકે ઓફસાઇડને કારણે એ ગોલ રદ કરવામાં આવ્યો હતો.
🚨🇵🇹 Cristiano Ronaldo scores from the penalty spot for Portugal against Croatia.
— Sports on Predict (@predictdotsport) July 3, 2026
pic.twitter.com/qvhwZ5JUwp
પોર્ટુગલે આ સંઘર્ષપૂર્ણ અને રોમાંચક મુકાબલામાં વિજય મેળવ્યો એ પછી હવે પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં એનો મુકાબલો કટ્ટર હરીફ અને ભૂતપૂર્વ ચેમ્પિયન સ્પેન સામે થશે.
સ્પેનનો 3-0થી વિજય
ગુરુવારે રાત્રે સ્પેને ઑસ્ટ્રીયાને 3-0થી માત આપીને પ્રી-કવોર્ટરમાં પ્રવેશ કર્યો હતો. સ્પેન વતી મિકેલ ઓયારઝાબલે 36મી મિનિટમાં ગોલ કરીને સ્પેનને 1-0થી સરસાઈ અપાવી હતી. પોરોએ 66મી મિનિટમાં અને મિકેલે ફરી 89મી મિનિટમાં ગોલ કર્યો હતો.
સ્વિટઝરલૅન્ડ પણ પ્રી-ક્વૉર્ટરમાં
અન્ય એક નૉકઆઉટ મૅચમાં સ્વિટઝરલૅન્ડે અલ્જીરિયાને 2-1થી હરાવીને પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો જેમાં કોલમ્બિયા અથવા ઘાના સામે રમશે.