Fri Jul 03 2026

Logo

પાકિસ્તાનમાં ગોઝારો અકસ્માત: ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકતા 40ના મોત

Islamabad   2026-07-03 14:07:00
Author: Mayur Patel
Article Image


ઇસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક ગમખ્વાર બસ અકસ્માતની ઘટના બની હતી, જેમાં 40 મુસાફરોના મોત થયા હોવાના અહેવાલ છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ પેસેન્જર બસ ધના સર વિસ્તાર પાસે એક ઊંડી ખીણમાં ખાબકી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બસની અંદર નિર્ધારિત  મુસાફરો ઉપરાંત બીજી એક ખરાબ થયેલી બસના મુસાફરોને પણ બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બસમાં ક્ષમતા કરતા વધારે ભાર થઈ ગયો હતો અને આ દુર્ઘટના સર્જાઈ હતી.

ઘટનાની વિગતો મુજબ, બસ લગભગ 70 થી 80 ફૂટ ઊંડી ખીણમાં પલટી મારી ગઈ હતી. બલૂચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની સરહદ નજીક બનેલી આ ઘટનામાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, પહાડી વિસ્તારમાં આવેલા એક અતિ ભયજનક વળાંક પર ચાલકે બસ પરથી નિયંત્રણ ગુમાવતા બસ સીધી ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 11 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3 ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

દુર્ઘટનાના સમાચાર મળતા જ બચાવ ટીમો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે રાહત કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસત લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને બલૂચિસ્તાનના મુખ્ય પ્રધાન સરફરાજ બુગતીએ આ ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના પાઠવી છે. 

જો કે પાકિસ્તાનમાં આ પ્રકારના જીવલેણ અકસ્માતોની ઘટનાઓ નવી નથી. ખરાબ રસ્તાઓ, નબળા ટ્રાફિક નિયમો અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં બેદરકારીભર્યું ડ્રાઇવિંગ વારંવાર ગંભીર દુર્ઘટનાઓનું કારણ બને છે. માત્ર બે મહિના પહેલા જ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક મિની બસ અને બીજી બસ વચ્ચેની ટક્કરમાં 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા.