ભુજ: પશ્ચિમ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ધોંસ બોલાવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બંદરીય મુન્દ્રા તાલુકાના પ્રાગપર પોલીસ મથકની હદમાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે. એસએમસીએ રતાડિયા (ગણેશવાળા) ગામની સીમમાં મોડી રાત્રે દરોડો પાડીને ચાલતા આંતરરાજ્ય તેલ ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે લાખો લીટર ઓઇલ અને છ ટેન્કરો સહિત કુલ રૂપિયા ૪,૩૪,૫૨,૬૩૫થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટનાસ્થળેથી ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધારો સહિત ૫ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
એસએમસીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એમ. જાડેજા અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે, મોખા ટોલ પ્લાઝાથી મુંદરા તરફ જતા હાઇવે પર શિવમ હોટેલ નજીક ખુલ્લા ખેતરમાં કન્ટેનર રાખીને આ આખું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. કંડલા અને મુંદરા પોર્ટ વચ્ચે દોડતા મોટા ઓઇલ ટેન્કરોમાંથી ડ્રાઇવરોને ફોડી, ગેરકાયદેસર રીતે કિંમતી તેલ ચોરી કરીને તેને બેરલ અને કાર્બોયમાં ભરવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું હતું. પોલીસે સ્થળ પરથી તેલની હેરાફેરી કરતા ડ્રાઈવર-ક્લીનર અને કન્ટેનરમાં મજૂરી કરતા ઉત્તર પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, બિહાર અને રાપરના ૧૧ શ્રમિકોને ઝડપી પાડી આગળની તપાસ માટે પ્રાગપર પોલીસને સોંપ્યા છે.
જો કે, આ કૌભાંડનો મુખ્ય માસ્ટરમાઇન્ડ અબ્દુલ ગફુર અહેમદ હાલેપોત્રા (રહે. આદિપુર), પંકજ (રહે. અંજાર), ધ્રુવરાજાસિંહ જેઠવા (રહે. અંજાર), ગોપાલ લાખા ગઢવી (રહે. વવાર) અને હરભમ રબારી (રહે. ભીમાસર) હજુ પોલીસ પકડથી દૂર હોઈ તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે.
પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૧.૫૦ કરોડની કિંમતના ૬ મોટા ટેન્કર, ૨,૦૫,૧૭૦ કિલો ઓઈલ (કિં. રૂા. ૨.૮૧ કરોડ), ૧,૪૬૫ કિલો ચોરીનું અન્ય તેલ, ૧૦ મોબાઈલ, એક બાઈક તેમજ તેલ ચોરી માટે વપરાતા ૫૦ બેરલ, ૭૨ કાર્બોય અને ઇલેક્ટ્રિક મોટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પ્રાગપર પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિશ્વાસઘાત, ચોરી અને સંગઠિત ગુનાખોરીની ગંભીર કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીથી બેફામ બનેલા ઓઇલ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(ઉત્સવ વૈદ્ય)