બોલીવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે જાણીતા સુપરસ્ટાર આમિર ખાનની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહે છે. કિરણ રાવ સાથેના છૂટાછેડા પછી આમિરના ત્રીજા લગ્નને લઈને સોશિયલ મીડિયા પર અવારનવાર અનેક અફવાઓ ઉડતી રહે છે. પરંતુ આ વખતે ખુદ આમિર ખાને જ પોતાની આગામી વેડિંગ ડેટ કન્ફર્મ કરી દીધી છે. આમિરે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તે આગામી પાંચમી જુલાઈના રોજ ગૌરી સ્પ્રેટ સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યો છે અને આ માટે તેણે ફેન્સ પાસે આશીર્વાદ પણ માંગ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક રિપોર્ટ અનુસાર આમિર ખાન ખૂબ જ ખુશ અને ઉત્સાહિત મૂડમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં આમિરે કહ્યું, નમસ્કાર, હું પાંચમી જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છું. આ મારા જીવનનો એક નવો અને ખૂબ જ મહત્વનો વળાંક છે. હું આપ સૌને વિનંતી કરું છું કે તમે અમને બંનેને તમારા પ્રેમ અને આશીર્વાદ આપો.
આ વીડિયો સામે આવતા જ બોલિવૂડ ગલિયારાઓમાં અને સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ છે. ફેન્સ આ અચાનક મળેલી સરપ્રાઈઝથી આશ્ચર્યચકિત થઈ ગયા છે અને સતત કમેન્ટ્સ કરીને બોલિવૂડના આ સુપરસ્ટારને લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે.
આમિર ખાને જેવી જ લગ્નની જાહેરાત કરી, કે તરત જ લોકો ઈન્ટરનેટ પર 'ગૌરી સ્પ્રેટ' વિશે સર્ચ કરવા લાગ્યા છે. દરેક વ્યક્તિ એ જાણવા આતુર છે કે આખરે આ ગૌરી સ્પ્રેટ કોણ છે જે આમિર ખાનના દિલ પર રાજ કરી રહી છે. જોકે, આ લગ્નના વાઈરલ સમાચારો પાછળ કોઈ આગામી ફિલ્મ, વેબ સિરીઝ કે પ્રમોશનલ કેમ્પેઈનનો હિસ્સો હોવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી. બોલીવૂડ સેલેબ્સ અવારનવાર પોતાની નવી જાહેરાતો કે પ્રોજેક્ટ્સ માટે આ પ્રકારની હાઈપ ઉભી કરતા હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આમિર ખાને અગાઉ બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા, જેમનાથી તેને બે બાળકો આયરા ખાન અને જુનૈદ ખાન છે. 2002માં રીના સાથે છૂટાછેડા લીધા બાદ આમિરે 2005માં કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. કિરણ અને આમિરને એક દીકરો આઝાદ રાવ ખાન છે. વર્ષ 2021માં આમિર અને કિરણે પરસ્પર સહમતિથી છૂટાછેડાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા, જોકે બંને આજે પણ સારા મિત્રો છે અને સાથે કામ પણ કરે છે.
હવે પાંચમી જુલાઈના રોજ આમિર ખાન ખરેખર લગ્ન કરવા જઈ રહ્યો છે કે આ કોઈ નવી ફિલ્મનો પ્રોમો છે એ તો સમય આવ્યે જ ખબર પડશે!