Thu Sep 10 2026

Logo

'પર્સનલ લો'ની આડમાં ગુનાખોરીને છૂટ નહીં! નિકાહ હલાલા અને ટ્રિપલ તલાકના કેસમાં કોર્ટનો ચુકાદો

2026-07-03 13:33:00
Author: Devayat Khatana
'પર્સનલ લો'ની આડમાં ગુનાખોરીને છૂટ નહીં! નિકાહ હલાલા અને ટ્રિપલ તલાકના કેસમાં કોર્ટનો ચુકાદો

નવી દિલ્હી: અલ્હાબાદ હાઈકોર્ટે  નિકાહ, હલાલા અને ટ્રિપલ તલાક સાથે જોડાયેલા એક અત્યંત સંવેદનશીલ કેસમાં મહત્વનો ચુકાદો આપતા કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દેશનો ફોજદારી કાયદો કોઈ પણ પર્સનલ લો કે ધાર્મિક પરંપરાઓ હેઠળ ન હોઈ શકે. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, ગંભીર ગુનાહિત કેસોમાં માત્ર પર્સનલ લોનો હવાલો આપીને ફરિયાદ રદ કરી શકાય નહીં.

આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનો છે. આ કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે 2015માં 15 વર્ષની વયે તેના લગ્ન અઝહર નવાઝ સાથે થયા હતા, જેને 2016માં પતિએ ત્રણ તલાક આપી દીધા હતા. ત્યારબાદ ફરી લગ્ન કરવાના બહાને તેને 'નિકાહ હલાલા'ની ક્રૂર પ્રક્રિયામાંથી પસાર થવા મજબૂર કરવામાં આવી હતી, જેમાં મૌલાના કય્યુમે તેનું જાતીય શોષણ કર્યું હતું. ત્યારબાદ ૨૦૧૭માં તેનું ફરીથી અઝહર સાથે નિકાહ કરવામાં આવ્યા હતા.

વિવાદ અહીં જ અટક્યો નહીં, પરંતુ 2021માં અઝહરે પીડિતાને બીજી વાર ત્રણ તલાક આપી અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે, સંતાન ન થવાના કારણે તેણે ફરીથી પીડિતાને સાથે રહેવાની લાલચ આપી હતી. આ ગંભીર ઘટનામાં પોલીસે બીએનએસ (BNS), મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) અધિનિયમ અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી.

આ કેસમાં સામેલ તમામ 9 આરોપીઓએ એફઆઈઆરને પડકારતી અરજીઓ કરી હતી, જેને હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે આ મામલાને બંધારણીય મૂલ્યો, વ્યક્તિગત ગરિમા અને સમાનતાના અધિકારોથી સંપૂર્ણપણે વિપરીત ગણાવ્યો છે. કોર્ટની આ કડક ટિપ્પણીએ સ્પષ્ટ કરી દીધું છે કે ધાર્મિક પ્રથાઓના નામે મહિલાઓના શોષણ અને ગુનાહિત કૃત્યોને કાયદાની છત્રછાયા હેઠળ સુરક્ષા મળશે નહીં.