Fri Sep 04 2026

Logo

અવિસ્મરણીય વિદાયઃ ભચાઉના કરમરિયા ગામે ૨૭ વર્ષની સેવા બદલ ગ્રામજનોએ શિક્ષકને સોનાથી તોલ્યા!

2026-07-03 12:35:00
Author: Mumbai Samachar Team
અવિસ્મરણીય વિદાયઃ ભચાઉના કરમરિયા ગામે ૨૭ વર્ષની સેવા બદલ ગ્રામજનોએ શિક્ષકને સોનાથી તોલ્યા!

ભુજઃ શિક્ષક અને વિદ્યાર્થી તેમજ ગ્રામજનો વચ્ચેના અતૂટ પ્રીત-ગૌરવને ઉજાગર કરતો એક અનોખો અને લાગણીસભર વિદાય સમારંભ ભચાઉ તાલુકાના કરમરિયા ગામમાં યોજાયો હતો. ગામની શાળામાં છેલ્લા ૨૭ વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા શિક્ષક રવિન્દ્રભાઈ પટેલની બદલી થતાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું અને ગ્રામજનોએ તેમને અશ્રુભીની આંખે યાદગાર વિદાય આપી હતી. આ અનોખો વિદાય પ્રસંગ હાલ કચ્છ સહીત રાજ્યભરમાં ભારે ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બન્યો છે.

રવિન્દ્રભાઈ પટેલે કરમરિયા ગામમાં વિતાવેલા ૨૭ વર્ષ દરમિયાન માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોના ચરિત્ર નિર્માણમાં પણ અમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમની આ દીર્ઘકાલીન સેવા અને સમર્પિત ભાવને બિરદાવવા માટે ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. શાળા પરિસરથી શરૂ થયેલી આ શોભાયાત્રામાં ગામના અબાલ-વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા. જાણે ગામમાં કોઈ ઉત્સવ હોય તેમ માર્ગો પર ગ્રામજનોએ આ લોકપ્રિય શિક્ષક પર પુષ્પવર્ષા કરી ભારે આદર સન્માન આપ્યું હતું.

વિદાય સમારોહ દરમિયાન ગામના અગ્રણીઓએ રવિન્દ્રભાઈના શૈક્ષણિક અને સામાજિક પ્રદાનને યાદ કરતા ભાવુક સંબોધનો કર્યા હતા. ગ્રામજનોએ રવિન્દ્રભાઈ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ભાગરૂપે સ્વૈચ્છિક લોકફાળો એકત્ર કરીને તેમને આશરે પાંચ લાખ રૂપિયાની કિંમતના સોનાના દાગીના સ્મૃતિભેટ તરીકે અર્પણ કર્યા હતા. 

ગામલોકોએ જણાવ્યું હતું કે, આ ભેટ માત્ર ભૌતિક વસ્તુ નથી પરંતુ અમારા ‘ગુરુજી’ પ્રત્યેના અખૂટ પ્રેમ અને આદરની એક નાનકડી ઓળખ છે. ૨૭ વર્ષના તપ સમાન સેવાકાર્ય બાદ યોજાયેલો આ વિદાય સમારંભ કરમરિયા ગામના ઇતિહાસમાં અવિસ્મરણીય બની રહેશે.

(ઉત્સવ વૈદ્ય)

વધુ જુઓ...