Tue Sep 15 2026

Logo

અમરનાથ યાત્રા શરૂ: પીએમ મોદીએ પત્રમાં એવું તો શું લખ્યું કે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ?

2026-07-03 13:21:00
Author: Darshana Visaria
અમરનાથ યાત્રા શરૂ: પીએમ મોદીએ પત્રમાં એવું તો શું લખ્યું કે દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ?

બાબા બર્ફાનીના દર્શન માટે પવિત્ર શ્રી અમરનાથ યાત્રા પર જઈ રહેલા શ્રદ્ધાળુઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિશેષ પત્ર લખીને ૫ મહત્વપૂર્ણ સંકલ્પો અપનાવવાની હાર્દિક અપીલ કરી છે. પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ (ટ્વિટર) પર આ અંગેની માહિતી શેર કરતા લખ્યું છે કે, બાબા બર્ફાનીના દર્શન સાથે જોડાયેલી શ્રી અમરનાથ યાત્રા આપણી આધ્યાત્મિક પરંપરા અને સાંસ્કૃતિક એકતાનો એક શાશ્વત અધ્યાય છે. મારી કામના છે કે શિવભક્તોની આ યાત્રા દરેક રીતે સુરક્ષિત અને મંગલમય રહે!

વડા પ્રધાને પત્રમાં જણાવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રામાં સામેલ થવું એ પોતાનામાં જ એક બહુ મોટું સૌભાગ્ય છે. જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે થયેલી પ્રથમ પૂજા સાથે જ ભક્તો માટે દર્શનનો ક્રમ શરૂ થઈ જાય છે. દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ આ યાત્રા માટે તત્પર રહે છે. દર વર્ષે બાબા બર્ફાનીના પ્રત્યક્ષ દર્શનનો આ અવસર લાખો શિવભક્તો માટે જીવનનો એક અત્યંત શુભ અને અવિસ્મરણીય અનુભવ બની રહે છે.

તેમણે ઉમેર્યું હતું કે, વીતેલા કેટલાક દાયકાઓથી શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડ અને જમ્મુ-કાશ્મીર સરકાર ખૂબ જ કુશળતા અને સેવાભાવથી યાત્રાનું સંચાલન કરી રહ્યા છે. આ સાથે યાત્રાને સુરક્ષિત રાખવામાં આપણા પ્રશાસન અને સુરક્ષાદળોની પણ બહુ મોટી ભૂમિકા છે.

પીએમ મોદીએ લીધેલા પાંચ સંકલ્પો કયા છે?
વડાપ્રધાને તમામ શ્રદ્ધાળુઓને યાત્રા દરમિયાન પોતાના જીવનમાં આ પાંચ વાતો ઉતારવા આગ્રહ કર્યો છે. ચાલો જોઈએ કયા છે આ પાંચ સંકલ્પ-

પહેલો સંકલ્પ: આપણે અમરનાથ યાત્રા દરમિયાન સ્વચ્છતાના નિયમોનું ચુસ્ત પાલન કરીએ અને સમગ્ર યાત્રા માર્ગને સાફ-સુથરો રાખવામાં પોતાનું યોગદાન આપીએ.
બીજો સંકલ્પ: પ્રશાસનના તમામ આદેશો, ટ્રાફિકના નિયમો અને સુરક્ષા સંબંધી સૂચનાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ. યાત્રા દરમિયાન વરસાદને કારણે થતી લપસણી જગ્યાઓ અને ઠંડીનું ખાસ ધ્યાન રાખીએ.
ત્રીજો સંકલ્પ: આપણે 'વોકલ ફોર લોકલ' ની ભાવના સાથે આપણી યાત્રાના કુલ ખર્ચના ઓછામાં ઓછા 10 ટકા ટકા હિસ્સો સ્થાનિક ઉત્પાદનો (Local Products) ખરીદવામાં વાપરીએ. આનાથી જમ્મુ-કાશ્મીરના પરિવારો અને યુવાનોની આજીવિકાને મોટું બળ મળશે.
ચોથો સંકલ્પ: અમરનાથ યાત્રાના સમાપન દિવસે એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પોતાના ભાઈ અથવા બહેનને એક છોડ ભેટ આપીએ અને 'એક પેડ મા કે નામ' અભિયાનને આગળ વધારીએ.
પાંચમો સંકલ્પ: 'રાષ્ટ્ર પ્રથમ' ની ભાવના સાથે આખું વર્ષ પોતાની ફરજોનું ઈમાનદારીથી પાલન કરીએ અને વિકસિત ભારતના નિર્માણમાં આપણું સક્રિય યોગદાન આપીએ.

પત્રના અંતમાં પીએમ નરેન્દ્ર મોદીજીએ એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે કે આ યાત્રા સનાતન ધર્મની આસ્થા, ભારતની સાંસ્કૃતિક એકતા અને સેવાની પરંપરાનો એક ભવ્ય મહોત્સવ બની રહેશે. તેમણે તમામ ભક્તોના જીવનમાં નવી ઊર્જા અને આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય તેવી મંગલકામનાઓ પાઠવી છે.