Wed Sep 02 2026

Logo

ગુજરાતમાં આગામી 3 કલાકમાં આ વિસ્તોરમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ

2026-07-03 10:44:00
Author: Mayur Patel
ગુજરાતમાં આગામી 3 કલાકમાં આ વિસ્તોરમાં તૂટી પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નાઉકાસ્ટ

અમદાવાદઃ રાજ્યમાં લૉ પ્રેશર સિસ્ટમ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય થયા છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું છે. જે મુજબ ત્રણ કલાકમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, દમણ, તથા દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થવાની અને 41 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વીજળી જમીન પર પડવાન શક્યતા 60 ટકાથી વધારે છે. 

રાજ્યના ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થવાની અને  41-60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ સાથે જ જમીન પર વીજળી પડવાની શક્યતા 30 થી 60 ટકા જેટલી  છે.

આ ઉપરાંત કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે હળવો વરસાદ  થવાની અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 

24 કલાકમાં ગુજરાતના 172 તાલુકામાં વરસાદ 

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે,  12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી વધુ 12.64 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ પડ્યો હતો. 12 ઇંચથી વધુ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.  કેશોદમાં 10.94 ઇંચ, પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ, માળિયા હાટીનામાં 9.13 ઇંચ, માણાવદરમાં 9.06 ઇંચ, કડીમાં 8.86 ઇંચ, જામજોધપુરમાં 7.05 ઇંચ, કોડિનારમાં 5.98 ઇંચ, કુતિયાણામાં 5.79 ઇંચ વરસાદ વરસ્યો હતો.