મુંબઈ: મુંબઈમાં આજે સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ પોતાની દમદાર હાજરી પુરાવી છે. હવામાન વિભાગે આપેલી આગાહી આજે સાચી સાબિત થતી જોવા મળી રહી છે. પશ્ચિમ ઉપનગરો, પૂર્વ ઉપનગરો અને દક્ષિણ મુંબઈ સહિત સમગ્ર શહેરમાં અત્યારે વરસાદનું જોર યથાવત છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા મુંબઈગરાઓને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
મુંબઈમાં સતત ત્રીજા દિવસે મુસળધાર વરસાદ
મુંબઈમાં વહેલી સવારથી જ શહેર અને ઉપનગરોમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે અને વરસાદનું જોર બરકરાર છે. છેલ્લા બે દિવસથી થઈ રહેલા સતત વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને આકાશ વાદળછાયું છે. હવામાન વિભાગે આગામી થોડા કલાકોમાં પણ મુંબઈમાં મધ્યમથી ભારે અને કેટલાક સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આથી નાગરિકોને સાવધ રહેવા જણાવાયું છે.
પશ્ચિમ ઉપનગરોમાં મધરાતથી જ ભારે વરસાદ
મુંબઈ સહિત પશ્ચિમ ઉપનગરોમાં મધ્યરાત્રિથી જ જોરદાર વરસાદ શરૂ છે. પશ્ચિમ ઉપનગરોના અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, માલાડ, કાંદિવલી, બોરીવલી, દહિસર, વિલેપાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા જેવા તમામ વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઉપનગરોના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે. જો આવો જ વરસાદ ચાલુ રહેશે, તો સવારના સમયે નોકરી-ધંધા માટે નીકળતા મુંબઈગરાઓને આ વરસાદનો મોટો ફટકો પડવાની શક્યતા છે.
મુંબઈ લોકલ ટ્રેનસેવાને અસર
મુંબઈમાં રાતભર વરસાદની ઝડીઓ ચાલુ રહી છે, જેના કારણે લોકલ ટ્રેન વ્યવહારને અસર થઈ છે. મધ્ય અને હાર્બર લાઈન પરની લોકલ ટ્રેનો 10થી 15 મિનિટ મોડી દોડી રહી છે. જ્યારે પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનો 15થી 20 મિનિટના વિલંબ સાથે ચાલી રહી છે. જોકે, રોડ ટ્રાફિક પર હાલમાં વરસાદની ખાસ કોઈ અસર જોવા મળી નથી.
અંધેરી સબવેમાં ભરાયા પાણી
મુસળધાર વરસાદને કારણે અંધેરી સબવેમાં આશરે બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. પાણીના નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી, જેના લીધે પરિસ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. સાવચેતીના પગલારૂપે સબવેમાં વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને ગોખલે બ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.