Wed Aug 26 2026

Logo

રાજકોટમાં હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા ગયેલા દલિત પરિવારને હડધૂત કરી આપી જાનથી મારી નાખવાની ધમકી!

2026-07-03 11:29:00
Author: Devayat Khatana
રાજકોટમાં હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા ગયેલા દલિત પરિવારને હડધૂત કરી આપી જાનથી મારી નાખવાની ધમકી!

રાજકોટ: થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં કૂવામાંથી પાણી ભરવા બાબતે તેમજ પાટણ જિલ્લામાં વરઘોડા કાઢવા જેવી બાબતે થયેલા વિવાદો અને એટ્રોસિટીની ફરિયાદો વચ્ચે હવે રાજકોટ જિલ્લામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ-મોરબી હાઈવે પર રતનપર ગામ નજીક આવેલી જલારામ સોસાયટીમાં મંદિર પ્રવેશ મામલે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે. અહીં રહેતા રાજેશ જાદવ અને તેમના પરિવારે આરોપ લગાવ્યો છે કે, તેમને હનુમાન મંદિરમાં પ્રવેશતા અટકાવી જાતિસૂચક અપશબ્દો બોલવામાં આવ્યા હતા. 

ફરિયાદીના જણાવ્યા મુજબ, છેલ્લા અઢી વર્ષથી મંદિરના કેરટેકર રાજુ રમાવત તેમને અને તેમના પરિવારને મંદિરમાં પ્રવેશતા રોકતા હતા. આ બાબતે 22 જૂને ગામના સરપંચ સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં સરપંચે સ્પષ્ટ કર્યું હતું કે મંદિર એક જાહેર ધર્મસ્થળ છે અને દરેકને ત્યાં પ્રાર્થના કરવાનો અધિકાર છે.

જો કે સરપંચની સમજાવટ છતાં વિવાદનો અંત આવ્યો ન હતો. 23 જૂનની સવારે જ્યારે રાજેશ જાદવનો પરિવાર મંદિર પાસે પહોંચ્યો ત્યારે વાતાવરણ તંગ બની ગયું હતું. ફરિયાદીના આક્ષેપ મુજબ, રાજુ રમાવત, તેના પુત્ર મયુર રમાવત, હેતલ ભલસોડ અને ચંદ્રેશ ભલસોડે તેમને ઘેરી લીધા હતા. આ ચારેય આરોપીઓએ પરિવારને જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા અને મંદિરને "અપવિત્ર" કરવાનો આરોપ લગાવી ત્યાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી તેમ કહીને તેમને અપમાનિત કર્યા હતા.

ઘટના વધુ વણસતા રાજુ રમાવતે રાજેશ જાદવના કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર બાબતને લઈને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો ઉપરાંત SC-ST (એટ્રોસિટી પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.