અમદાવાદઃ રાજ્ય પર સર્જાયેલી પાંચ જેટલી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રના માંગરોળમાં 13 ઇંચ વરસાદ ખાબકતાં આખું શહેર ડૂબી ગયું હતું. ઉત્તર ગુજરાતના કડીમાં 2 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
મળતી વિગત પ્રમાણે, ઉત્તર ગુજરાતના કડીમાં રાત્રે 2 વાગ્યાના સુમારે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. માત્ર 2 કલાકના સમયગાળામાં જ 8 ઇંચ પાણી પડી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની અનેક સોસાયટીના ઘરોમાં ઘૂંટણસમાથી લઈ કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે રાત્રે જ સ્થાનિકો સામાન બચાવવામાં લાગ્યા હતા.
રાજયમાં આજે ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજે રેડ એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ તેમજ દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ, તેમજ કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડવાની ખૂબ જ શક્યતા છે. ઉપરાંત, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પણ આવી સ્થિતિ રહેવાની સંભાવના છે. જ્યારે ઓરેન્જ એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાઓ તથા દીવમાં કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તેમજ યેલો એલર્ટ સાથે દક્ષિણ ગુજરાતના આણંદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં કેટલાક અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
24 કલાકમાં ગુજરાતના 172 તાલુકામાં વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. બે તાલુકામાં 12 ઇંચથી વધારે, બે તાલુકામાં 10 ઇંચથી વધારે, બે તાલુકામાં 9 ઇંચથી વધારે, એક તાલુકામાં 8 ઇંચથી વધારે, એક તાલુકામાં 7 ઇંચથી વધારે, બે તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, 8 તાલુકામાં 3 ઇંચથી વધારે, 12 તાલુકામાં 2 ઇંચથી વધારે, 36 તાલુકામાં 1 ઇંચથી વધારે તથા 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.