Fri Jul 03 2026

Logo

મેનહોલ પ્રકરણમાં ‘એલ’ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર સહિત ચાર સસ્પેન્ડ: તપાસ સમિતિની સ્થાપના, સાત દિવસમાં અહેવાલ આવશે

2026-07-03 08:43:00
Author: Sapna Desai
Article Image


મુંબઈના તમામ મેનહોલની સુરક્ષાની ફરી તપાસ કરવામાં આવશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સાકીનાકામાં મેનહોલમાં પડીને પંચાવન વર્ષની વ્યક્તિના મૃત્યુ પ્રકરણમાં પાલિકા પ્રશાસને  આસિસ્ટન્ટ કમિશનર સહિત ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમ જ આ પ્રકરણમાં   એડિશનલ કમિશનરની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમિતિને સાત દિવસમાં તપાસનો અહેવાલ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુંબઈ મહાનગરપાલિકાના સ્યુએજ ઓપરેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ગુરુવારે કુર્લા-સાકીનાકામાં ખૈરાણી  માર્ગ પર મેનહોલ પર સંરક્ષણ જાણી બેસાડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે તેમાં પડીને પંચાવન વર્ષના અસલમનું મૃત્યુ થયું હતું. આ પ્રકરણની  પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેએ  નોંધ લઈને ‘એલ’વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર ધનાજી હેર્લેકર સહિત મેઈન્ટેન્સ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સબ એન્જિનિયર એન્જિનિયર દીપક ચૌગુલે, સિનિયર એન્જિનિયર  અભિજિત ચૌગુલે સહિત સ્યુએજ ઓપરેશન ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ એન્જિનિયર ઉત્તમ પાટીલની તપાસ પૂરી થાય નહીં ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા છે.

‘એલ’વોર્ડ પરિસરમાં કુર્લા-સાકીનાકામાં ખૈરાણી રોડને લાગીને સ્યુએજ ઓપરેશન ડિપાર્ટમેન્ટ મારફત સુરક્ષા જાળ બેસાડવાની કામગીરી શરૂ કરી હતી. આ કામ ચાલી રહ્યું હતું ત્યારે કૉન્ટ્રેક્ટરે સુરક્ષાના કોઈ પણ પગલાં લીધા ન હોવાનું ઘટના સ્થળે જણાઈ આવ્યું હતું. કામ ચાલી રહ્યું હતું બરોબર એ જ સમયે અસલમ ઈસાક શેખ મોબાઈલ પર વાત કરતા રસ્તા પરથી જઈ રહ્યો હતો ત્યારે મેનહોલ પાસ ઊભા રહેલા વ્યક્તિએ તેનો બોલાવીને થોભવા કહ્યું હતું પણ તે સંતુલન ખોઈ બેસતા મેનહોલમાં પડી ગયો હતો.

તમામ વોર્ડમાં ૧૦૦ ટકા મેનહોલની તપાસ કરાશે
આ ઘટના બાદ ભવિષ્યમાં આવી દુર્ઘટના બને તે માટે પ્રતિબંધાત્મક ઉપાયયોજના તરીકે મેનહોલના કામ કરતા સમયે ચારે બાજુએ બેરીકેડ્સ લગાવવાનો આદેશ ફરી એક વખત આપવામાં આવ્યો છે. તેમ જ આગામી આઠ દિવસમાં પાલિકામાં આવેલા તમામ મેનહોલની ૧૦૦ ટકા તપાસ કરવાનો કરવાનો અને તેની સુરક્ષિતતાની ખાતરી કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ બાબતનો અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ તમામ એડિશનલ કમિશનર, સાતેય ઝોનના  ડેપ્યુટી કમિશનર, ૨૬ પ્રશાસકીય વિભાગના કમિશનરને આપવામાં આવ્યો છે.

ઉચ્ચસ્તરીય તપાસ માટે સમિતિ
સુરક્ષાના નિયમો બાબતના બેદરકારી દાખવનારા સંબંધિત કૉન્ટ્રેક્ટરને બ્લેક લિસ્ટ કરવાનો આદેશ પણ કમિશનરે આપ્યો છે. આ ધટના શેના કારણે ઘટી? તે માટે આ પ્રકરણની ઊંડાણમાં તપાસ કરવા માટે  અને મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવી ઘટનાનું પુનરાવર્તન થાય નહીં તે માટે એડિશનલ કમિશનર (પશ્ર્ચિમ ઉપનગર)ની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ માટે સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિમાં પાલિકાના ડેપ્યુટી કમિશનર (સામાન્ય પ્રશાસન), ઝોન સાતના ડેપ્યુટી કમિશનર અને પાયભૂત સુવિધાના ડેપ્યુટી કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તપાસનો અહેવાલ સાત દિવસમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કમિશનર રાજીનામું આપે:શિવસેના
મુંબઈના નાયબ મેયર અને શિેંદેસેનાના નગરસેવક સંજય ઘાડીએ સાકીનાકામાં ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ પાલિકાની કાર્યપદ્ધતિ સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.  દુર્ઘટના માટે જવાબદાર અધિકારી સામે આકરા પગલા લેવાની માગણી સાથે જ તેમણે કમિશનરના રાજીનામાની માગણી પણ કરી હતી. સંજય ઘાડીએ કહ્યું હતું કે કમિશનરે રાજીનામું આપવું જોઈએ. મેનહોલની સુરક્ષા જાળીનો કૉન્ટ્રેક્ટ પૂરો થયો હોઈ નવેસરથી જાણી બેસાડવા બાબતે તેમણે પત્ર લખીને કમિશનર સમક્ષ માગણી કરી હતી. છતાં કમિશનરે તેના પ્રત્યે દુર્લક્ષ કર્યું હતું. તેથી સાકીનાકામાં એક વ્યક્તિનો જીવ ગયો તે માટે નૈતિક જવાબદારી સ્વીકારીને કમિશનરે રાજીનામું આપી દેવું જોઈએ.