Fri Jul 03 2026

Logo

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, જાણો ક્યાં માત્ર 2 કલાકમાં ખાબક્યો 8 ઇંચ

2026-07-03 11:09:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા છેલ્લા બે દિવસથી ધબધબાટી બોલાવી રહ્યા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા પ્રમાણે, નવસારી જિલ્લામાં બે કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ચીખલીમાં 7.87 ઇંચ, ગણદેવીમાં 4.49 ઇંચ તથા ખેરગામમાં 3.54 ઇંચ વરસાદ પડ્યો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ સવારે 8 થી 10ના સમયગાળા દરમિયાન 35 તાલુકામાં વરસાદ પડ્યો છે. એક તાલુકામાં 7 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, બે તાલુકામાં 3 ઇંચથી વધારે, ત્રણ તાલુકામાં 2 ઇંચથી વધારે, 7 તાલુકામાં 1 ઇંચથી વધારે અને બાકીના તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.

નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે તોફાની વરસાદ ચાલુ રહ્યો છે. ગણદેવી અને બીલીમોરામાં ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે સોમનાથ સ્ટેશન રોડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. વાવાઝોડા જેવા પવન અને ધોધમાર વરસાદને લીધે રસ્તા પર જોવામાં ભારે તકલીફ પડતી હતી. આ કારણે વાહનચાલકોને બપોરે પણ હેડલાઈટ ચાલુ રાખીને વાહનો ધીમે ચલાવવા પડ્યા હતા, જેથી રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજી તરફ, ગ્રામ્ય પંથકમાં આ મેઘમહેરથી ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને સમગ્ર જિલ્લામાં વાતાવરણ ઠંડુંગાર બની ગયું છે.

રાજ્ય પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે.