Mon Oct 05 2026

Logo

નખત્રાણાના નાના અંગિયામાં 150 વર્ષ જૂના પાળેશ્વર મહાદેવ મંદિરમાંથી મળી કેદારનાથ આકારની શિલા

2026-07-03 11:35:00
Author: Mumbai Samachar Team
નખત્રાણાના નાના અંગિયામાં 150 વર્ષ જૂના પાળેશ્વર મહાદેવ મંદિરમાંથી મળી કેદારનાથ આકારની શિલા

ભુજઃ કચ્છના નખત્રાણા તાલુકાના અને અગાઉ ધીણોધર જાગીરમાં આવતા નાના અંગિયા ગામે ૧૪૦ વર્ષ જૂના ઐતિહાસિક પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર દરમિયાન એક ચમત્કારી ઘટના સામે આવી છે. અહીં ચાલી રહેલા ખોદકામ દરમિયાન આબેહૂબ કેદારનાથ શિવલિંગ જેવા આકારની એક પૌરાણિક શિલા મળી આવતાં શ્રદ્ધાળુઓમાં ભારે આશ્ચર્ય અને કૌતુક સાથે ભક્તિનો માહોલ છવાયો છે.

સ્થાનિક અગ્રણી મનોજ વાઘાણીના જણાવ્યા અનુસાર, દોઢ સદી પુરાણું આ ઐતિહાસિક મંદિર જર્જરિત બની ગયું હોવાથી શિવ નિર્માણ સમિતિ દ્વારા તેના જીર્ણોદ્ધારનો નિર્ણય લેવાયો હતો. આ અંતર્ગત મંદિર પરિસરમાં ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે સમિતિના સભ્યોની હાજરીમાં જ આ વિશિષ્ટ શિલા મળી આવી હતી. આ શિલાનો આકાર ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ જ્યોતિર્લિંગને મળતો આવતો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતાં જ આ પવિત્ર શિલાના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળેટોળાં ઊમટી પડ્યા છે.

નોંધનીય છે કે, ઐતિહાસિક મહત્વ ધરાવતા આ પાળેશ્વર મહાદેવ મંદિરનું આગામી સમયમાં અંદાજે એક કરોડ રૂપિયાના ખર્ચે ભવ્ય નવનિર્માણ કરવામાં આવશે. આ નૂતન મંદિરના નિર્માણમાં દિલ્હીના પ્રસિદ્ધ અક્ષરધામ મંદિરમાં વપરાયેલા ખાસ બંસીપહાડપુર (બન્સીપાલ) પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે.

(ઉત્સવ વૈદ્ય)