Fri Jul 03 2026

Logo

ગોંડલમાં દારૂના રવાડે ચડેલા દીકરાને સગા માબાપે જ એસિડ પીવડાવી ફાંસો આપી મારી નાખ્યો

2026-07-03 11:41:00
Author: Devayat Khatana
Article Image

ગોંડલ: "છોરું કછોરુ થાય પણ માવતર કમાવતર ન થાય" ગુજરાતી કહેવતને રાજકોટ જિલ્લાના ગોંડલના એક બનાવે ખોટી પાડી કછે. આજથી ચારેક દિવસ પહેલાં ગોંડલના ગુંદાળા ગામના  23 વર્ષીય યુવાનનું રહસ્યમત મોત થયું હતું. પ્રારંભના તબક્કે આ ઘટનાને આપઘાત તરીકે ગણાવવામાં આવી હતી. જો કે પોલીસ તપાસમાં થયેલા ખુલાસા બાદ આ મામલો હત્યામાં પરિણમ્યો છે અને આ હત્યા ખુદ યુવાનના માવતરે જ કરી હોવાનો ધ્રુજાવી દેનારો ખુલાસો થયો છે. 

આ બનાવની વિગતો અનુસાર, 30 જૂનના રોજ ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં 23 વર્ષીય યુવક રામ બાબુભાઈ બાંભવાનું રહસ્યમય મોત થયું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આપઘાત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે હવે પોલીસ તપાસમાં યુવાનની હત્યા કરી દેવામાં આવી હોવાનું ખૂલ્યું છે. યુવકને દારૂ પીવાની કુટેવ હતી અને તેની આ આદતથી પરિવાર કંટાળી ગયો હતો અને તે બાબતે ઘરમાં કંકાસ થતો હતો.

યુવકની આ કુટેવને કારણે 30 જૂનના રોજ પિતા બાબુભાઈ ઉર્ફે અતુલભાઈ ઘુઘાભાઈ બાંભવા અને માતા મનીષાબેન ઉર્ફે મોતીબેન સાથે આ જ મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે અંતે આ ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે ખુદ માતાએ તેના દીકરાને બળજબરીથી એસિડ પીવડાવી દીધું હતું અને પિતાએ માર માર્યા બાદ યુવકને ગળેટૂંપો આપીને હત્યા કરી દીધી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું હતું.  

વળી આ બાદ હત્યાના બનાવને આપઘાતમાં ખપાવવા માટે પિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ માર્ટમ ફટાફટ થઈ જાય તે માટે રાજકીય આગેવાનો અને નેતાઓને ભલામણ કરી હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું હતું. યુવાનના ચાર મહિના પહેલા જ યુવકના લગ્ન થયા હતા. હવે આ મામલે યુવકના પત્ની બંશીબેન બાંભવાએ તેમના સાસુ-સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.