Thu Apr 23 2026

Logo

મુંબઈમાં ત્રણ પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ માટે માર્ગ મોકળોઃ આદર્શ નગર, બાંદ્રા રિક્લેમેશન અને SVP નગર પ્રોજેક્ટ માટે ટેન્ડર જાહેર

2026-04-07 19:02:27
Author: Mumbai Samachar Team
Article Image

MHADA


મુંબઈ: મુંબઈના ત્રણ મહત્વના એવા આદર્શ નગર, બાંદ્રા રિક્લેમેશન અને સરદાર વલ્લભભાઈ પટેલ નગર પુનઃવિકાસ પ્રોજેક્ટ્સનો માર્ગ મોકળો થયો છે. રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિએ આ ત્રણેય પુનઃવિકાસ પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપ્યા બાદ, હવે મ્હાડાના મુંબઈ બોર્ડે આ ત્રણેય પ્રોજેક્ટ્સના બાંધકામ માટે મંગળવારે ત્રણ અલગ-અલગ ટેન્ડર જાહેર કર્યા છે.

વરલીમાં આદર્શ નગર, બાંદ્રામાં બાંદ્રા રિક્લેમેશન અને અંધેરી પશ્ચિમમાં સરદાર વલ્લભભાઈ પટેલ નગર, આ ત્રણ પ્રોજેક્ટ્સના પુનઃવિકાસ માટે ખાનગી ડેવલપર્સની નિમણૂક કરીને પુનઃવિકાસ કાર્ય પાર પાડવામાં આવશે. આ ત્રણ પુનઃવિકાસ પ્રોજેક્ટ્સ અંતર્ગત ૧૦,૦૦૦ થી વધુ ફ્લેટ ધારકોનું પુનઃવસન કરવામાં આવશે. આ પુનઃવિકાસ દ્વારા મુંબઈ બોર્ડને લોટરી માટે નવા ઘરો ઉપલબ્ધ થશે અને પાંચ હજાર કરોડથી વધુની આવક પણ મળશે.

આ ત્રણેય પુનઃવિકાસના પ્રસ્તાવો રાજ્ય સરકાર પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિએ આ પ્રોજેક્ટ્સના પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. મંજૂરી મળ્યા બાદ હવે મુંબઈ બોર્ડે આ પુનઃવિકાસ કાર્ય માટે ખાનગી ડેવલપરની નિમણૂક કરવા માટે મંગળવારે ત્રણ અલગ-અલગ ટેન્ડર પ્રસિદ્ધ કર્યા છે, એવી માહિતી મુંબઈ બોર્ડના વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી. 

ટેન્ડર મુજબ આવતીકાલે ૮ એપ્રિલથી ટેન્ડર સબમિટ કરવાની શરૂઆત થશે અને તેની અંતિમ મુદત ૧૧ મે સુધી છે. આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ડેવલપરની નિમણૂક કરવામાં આવશે. ત્યારબાદ નિયુક્ત ડેવલપર દ્વારા પ્રોજેક્ટનો વિગતવાર પ્લાન તૈયાર કરવામાં આવશે. આ પ્લાનને મંજૂરી મળ્યા પછી જ પ્રત્યક્ષ પુનઃવિકાસ કાર્ય શરૂ થશે, તેમ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું.