મુંબઈ: મુંબઈ અને તેના ઉપનગરોમાં ગઈકાલ રાતથી શરૂ થયેલો મુસળધાર વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે આખી મુંબઈ નગરી જળબંબોળ થઈ ગઈ છે અને નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે, જેને પગલે પ્રશાસને શાળાઓમાં તાત્કાલિક રજા જાહેર કરી દીધી છે અને નાગરિકોને અતિ આવશ્યક કામ વગર ઘરની બહાર ન નીકળવાની સખત સૂચના આપી છે.
રસ્તા પર ટાયરની ટ્યુબ નાખી મનસે નેતાનો અનોખો વિરોધ
ભારે વરસાદના કારણે મુંબઈના ચાંદીવલી વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીં રસ્તાઓએ નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું છે અને રેલ્વે સ્ટેશનોની બહાર પણ ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે. પાલિકાની નાળા સફાઈની પોલ ખૂલી જતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વરિષ્ઠ નેતા મહેન્દ્ર ભાનુશાલી આકરા પાણીએ થયા હતા. તેમણે ચાંદીવલીના ભરાયેલા પાણીની વચ્ચે ટાયરની મોટી ટ્યુબ નાખીને અનોખી રીતે બેસી જઈ પાલિકાના કોન્ટ્રાક્ટરો સામે ઉગ્ર આંદોલન શરૂ કર્યું હતું અને તંત્ર પાસે જવાબ માગ્યો હતો.
મુંબઈના મેયર પણ રસ્તા પર ઉતર્યા
બીજી તરફ, મુંબઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા મુંબઈ મહાનગરપાલિકાના મેયર રીતુ તાવડે પણ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રસ્તા પર ઉતરેલા જોવા મળ્યા હતા. શહેરના જળબંબોળ થયેલા વિસ્તારોમાં ઠેર-ઠેર પાલિકાના કર્મચારીઓ પાણીના નિકાલ માટે અને નાગરિકોની મદદ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
લોકોના ઘરોમાં ભરાયા પાણી, છઠ્ઠી જુલાઈ સુધી જોખમ કાયમ
મુંબઈમાં કાળાડિબાંગ વાદળોને કારણે સવારથી સૂર્યદેવના દર્શન પણ થયા નથી. અનેક નીચાણવાળા સોસાયટીઓ અને ચાલી વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરીને મોટું નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં વરસાદનો વેગ હજુ વધુ વધવાના સંકેતો છે. રાજ્યમાં છઠ્ઠી જુલાઈ સુધી ચોમાસાનું આ રૌદ્ર સ્વરૂપ યથાવત રહેશે, જેથી મુંબઈગરાઓની મુશ્કેલીઓ હજુ વધી શકે છે.