Sat Sep 05 2026

Logo

મહિને પાંચ ટકા નફાની લાલચે 30 કરોડની છેતરપિંડી: સૂત્રધારની સુરતમાં ધરપકડ

2026-07-04 20:00:02
Author: Yogesh C. Patel
મહિને પાંચ ટકા નફાની લાલચે 30 કરોડની છેતરપિંડી: સૂત્રધારની સુરતમાં ધરપકડ

શૅરબજારમાં સારું વળતર મળવાની આશાએ 42 રોકાણકારે આરોપીની ‘ઈન્વેસ્ટોક’ ઍપના માધ્યમથી રોકાણ કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: શૅરબજારમાં રોકાણ કરેલી રકમ પર મહિને બેથી પાંચ ટકા વળતરની લાલચ બતાવી 42 રોકાણકાર સાથે 30.26 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરનારા સૂત્રધારને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ સુરતમાંથી પકડી પાડ્યો હતો.આર્થિક ગુના શાખાના જીસી-3 યુનિટે ધરપકડ કરેલા આરોપીની ઓળખ રોહન ભૂષણ સેઠ (56) તરીકે થઈ હતી. પોન્ઝી સ્કીમને નામે છેતરપિંડી કરનારા આરોપીને ગુજરાત રાજ્યના સુરતમાં ડુમસ ખાતેથી તાબામાં લેવાયો હતો. તેની પાસેથી 1.65 કરોડ રૂપિયાની મતા જપ્ત કરવામાં આવી હતી.

આ પ્રકરણે 24 એપ્રિલે એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. માટુંગામાં રહેતા આરોપીએ તેની ‘ઈન્વેસ્ટોક’ ઍપના માધ્યમથી રોકાણકારોને નાણાં રોકવા લલચાવ્યા હતા. શૅર માર્કેટમાં રોકાણ કરેલી રકમ પર બેથી પાંચ ટકા નફાની લાલચ આરોપીએ આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ફરિયાદી અને તેના કુટુંબના અન્ય સભ્યો સહિત 42 રોકાણકારે આરોપીની સ્કીમમાં રોકાણ કર્યું હતું. જોકે બાદમાં આરોપીએ વળતરની રકમ તો ઠીક, મુદ્દલ પણ પાછી ચૂકવી નહોતી. રોકાણકારો સાથે 30.26 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે રોકાણકારોએ પોલીસનો સંપર્ક સાધતાં ગુનો નોંધાવા પહેલાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. તે પોતાની ઓળખ છુપાવી વારંવાર રહેઠાણ બદલતો હતો. દરેક સ્થળે અલગ અલગ નામે રહેતો હતો, જેને પગલે તાત્કાલિક તેના સગડ મળ્યા નહોતા.આર્થિક ગુના શાખાની ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી અને ખબરીઓની માહિતી પરથી આરોપી સુરતમાં હોવાનું શોધી કાઢ્યું હતું. સિનિયર ઈન્સ્પેક્ટર ગણેશ પવારના માર્ગદર્શન હેઠળ તપાસ અધિકારી એપીઆઈ શ્રીકાંત ધુમાળ અને એપીઆઈ ઉમેશ શિંદે ટીમ સાથે સુરત પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસની મદદથી આરોપીને તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.